બારડોલી તાલુકાના નંદીડા ચાર રસ્તા નજીક 3 માસૂમ બાળકો રડતા હોઈ જે  બાબતની જાણ તેન ગામે રહેતા રમેશભાઈ લાલભાઈ રાઠોડે કરી હતી. રમેશભાઈ ત્રણે બાળકોને રિક્ષામાં બેસાડી અને બારડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના એ. એસ. આઈ અર્જુનભાઇ ધનસુખભાઈએ બાળકોને પાણી પીવડાવી સાંત્વના આપી ખાવાનું ખવડાવ્યું હતું. બાદમાં બાળકોને પૂછતાં 7 વર્ષીય દીકરી આરતીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા થોડા દિવસ પહેલા તેના 4 વર્ષીય નાના ભાઈ રોહન અને 3 વર્ષીય ગણેશને બારડોલીના નાંદીડા ચાર રસ્તા નજીક મૂકીને ચાલ્યા ગયા હતા. બાળકી આરતીએ જણાવ્યું હતું કે તેઓનું ઘર સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનાં આસપાસ છે. જેને લઈ બારડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. અને બાળકીનો ફોટો સુરતનાં નીલગીરી સર્કલ, લીંબાયત વિસ્તારમાં બતાવતા ત્રણે બાળકો કાજલ હરીશભાઈ ડાભીનાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાળકોની માતાનો સંપર્ક કરી તેણીને પોલીસ મથકે બોલાવી ત્રણે માસૂમ બાળકોનો કબ્જો સોંપ્યો હતો. બાળકોની માતાએ બારડોલી પોલીસનો  આભાર માન્યો હતો.