સરકાર મહિલાઓનું શોષણ કરતી હોવાનો આરોપ લગાવી આવેદન પત્ર આપ્યું. 

સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. ત્યારે આજે માંગરોળમાં આંગણવાડી ની ૩૫૦ જેટલી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને માંગરોળ ના ઐતિહાસિક ટાવર ગ્રાઉન્ડમાં એકઠી થઈ હતી. અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ અને સેક્રેટરીએટ સુધી મોટી રેલી કાઢી હતી. મહિલાઓનું શોષણ બંધ કરો - બંધ કરો, લધુતમ વેતન ચાલું કરો , ના સુત્રોચ્ચાર સાથે આંગણવાડી વર્કર બહેનોની રેલી સેક્રેટરીએટ પહોચી હતી. ત્યા ટીડીઓ અને મામલતદાર કચેરી સામે દેખાવો કરી મહિલાઓનું શોષણ બંધ કરો ના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમની વિવિધ માંગણીઓ બાબતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે , ' સરકાર જ મહિલાઓનું શોષણ કરે છે. આજે અમારા સંગઠનનાં નેજા હેઠળ સમગ્ર માંગરોળ તાલુકાની બહેનો હડતાળ ઉપર ઉતર્યા છીએ. અમારી મુખ્ય માંગ છે કે, માનદ વેતનમાંથી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે . હાલ કારમી મોંઘવારી છતાં વર્કર બહેનોને માત્ર ૭,૮૦૦ અને હેલ્પર બહેનોને માત્ર ૩,૯૫૦ ચુકવવામાં આવે છે . આવી મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? તો જે પ્રમાણેની કામગીરી સોંપાય છે તે પ્રમાણે વેતન પણ સરકારે ચૂકવી લઘુતમ વેતનમાં જ અમારો સમાવેશ કરવો જોઈએ. ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું જ શોષણ કરતી હોવાનો આરોપ મુકતા જણાવ્યું હતું કે અમને અનેક પ્રકારના કામો સોંપી પ્રેશર આપવામાં આવે છે. આરોગ્ય ના કામો, વૃધ્ધા પેન્શન ના ફોર્મ ભરાવવા, પોલિયો ની કામગીરી, ઈ ફોર્મ, સગર્ભા બહેનોના ફોર્મ વગેરે કોઈ પણ સરકારી કામગીરી અમારી પર થોપી દેવામાં આવે છે. આજે અમને ફક્ત સાત હજાર પગારમાં આટલી બધી કામગીરી સોંપવામાં આવે છે કે, અમે અમારા ખુદના બાળકોને પણ સમય આપી શકતી નથી. 

ઉલ્લેખનીય છે કે , વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોની માંગને લઈ સરકાર ક્યારે અને શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું