રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે અને આવતી કાલથી એટલેકે તા.1 ઓગષ્ટથી જાહેર સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે જેનો કડક અમલ કરવામાં આવશે.

ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ CCTV ફરજીયાત થઈ જશે. નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

આ અિધનિયમ અનુસાર એકજ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન 1 હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ CCTVલગાડવાના રહેશે. એટલું જ નહી, 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માંગી શકશે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે

પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે. જેનો આવતી કાલ 1 ઓગસ્ટ 2022થી અમલ કરવામાં આવશે.