ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે બીજી તરફ કોઈ તૈયારી નહિ કરી રહેલા કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા વહી રહી છે અને કોંગ્રેસમાં તાલુકા તેમજ જિલ્લાસ્તરે સંગઠન માળખામાં મોટા ગાબડા પડી રહ્યા છે ત્યારે હવે મોડે મોડે ભાન થતા હાઈકમાન્ડે કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય આગેવાનો અને કાર્યકરોને પક્ષમાં જાળવી રાખવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, નારાજ નેતાઓને મનાવવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત પણ શરૂ થતા ભાજપની ભરતી ઝુંબેશ સામે કોંગ્રેસની ‘બચાવ ઝુંબેશ’ શરૂ થઈ છે.

ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે સિનિયર આગેવાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને જવાબદારી અપાઈ હોવાનું સુત્રોનું કહેવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા તે વખતે તેમણે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ બેઠકો અપાવી હતી. કોંગ્રેસ તે સમયે વિધાનસભાની 77 બેઠકો પર જીત મેળવવામાં સફળ થઈ હતી. એ સમયે તેમણે જૂથબંધીમાં વહેંચાયેલા નેતાઓને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોની પસંદગીથી માંડીને ટીકિટની ફાળવણી સુધીની તમામ મહત્વની કામગીરી એકલા હાથે નીભાવી હતી

છેલ્લા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ અને આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ સમગ્ર મામલે હાઈકમાન્ડ નારાજ થયો છે અને હવે બચેલાઓ ક્યાંય જાય નહીં તે માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ મોડે મોડે જાગ્યો છે અને તે માટે અશોક ગેહલોત ઉપર બધું છોડ્યું છે.