સાયલાના સાપર ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજના એકતા મિશન સંમેલનમાં સંવિધાનિક અધિકારોની લડાઈ, સમાજમાં જાગૃતિની પહેલ અને રાજસત્તામાં વસતી મુજબ ભાગીદારીનો લડાયક મિજાજ જોવા મળતો હતો. સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઊમટી પડ્યા હતા.સાયલાના સાપર ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજના મહા સંમેલનમાં 2022માં સમાજની વાત કરશે એને સ્વીકારવામાં આવશે પછી સરકાર હોય કે સમાજના નામે ચરી ખાતા આગેવાનો હોય તેવા રોષ સાથે અનેક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મયુરભાઇ સાકરીયા, વિક્રમભાઇ સોરાણી, રમેશભાઇ મેર, રણછોડભાઇ ઉઘરેજા, મુકેશભાઇ રાજપર સહિત અગ્રણીઓએ ગુજરાતમાં 38 ટકા કોળી અને ઠાકોર સમાજની વસ્તી જોવા મળે છે.ત્યારે વસતી મુજબ રાજકીય સત્તામાં ભાગીદારી આપવાની સાથે ઠાકોર અને કોળી નિગમમાં આવેલી લોનની અરજીનો નિકાલ, 2000 કરોડથી વધુ બજેટ, વસતી મુજબ અનામત તેમજ દરેક જિલ્લામાં શૈક્ષણીક સંકુલ અને માંધાતા, વેલનાથબાપુ ધામ માટે જમીનની ફાળવણી સહિતની અનેક માંગણી કરી હતી.જયારે જયોતિબેન રાઠોડ, પથુજી ઠાકોર, અજમલજી ઠાકોર, દીપસિંહ ઠાકોર, વિનુભાઇ વાઢેર સહિતના અગ્રણીઓએ નિગમના માધ્યમથી મળતી લોનના બોજા પધ્ધતિનો પણ વિરોધ દર્શાવ્યો હતો. અનેક મુદાઓને લઇ સરકાર સામે ન્યાયની માંગણી જોવા મળતી હતી. એકતા મિશન સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.