ભુજ, સોમવાર:

સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ લોકાર્પણ-ખાતમુહૂર્ત અંગે "વિશ્વાસથી વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભચાઉ, અંજાર અને અબડાસા પ્રાંત કચેરીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ જનસુવિધાઓના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. 

ભચાઉ પ્રાંતકક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ લેઉવા પટેલ બોર્ડિંગ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં પ્રાંતકક્ષાએ રૂ. ૪૬ લાખના ખર્ચે ૧૮ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે રૂ.૧.૮૭ કરોડના ખર્ચે વિવિધ ૬૮ વિકાસકામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

અંજારનો પ્રાંતકક્ષાનો કાર્યક્રમ પૂર્વ રાજ્યમંત્રીશ્રી અને અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને અંજાર ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રીના હસ્તે અને પદાધિકારીશ્રીઓની હાજરીમાં રૂ.૫૯ લાખના ખર્ચે વિવિધ ૧૫ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ.૧.૮૫ કરોડના ખર્ચે વિવિધ ૬૮ વિકાસના કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. 

અબડાસા પ્રાંતનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ નલીયા ખાતે અબડાસા ધારાસભ્ય શ્રી પદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહની ઉપસ્થિતિમાં રૂ.૧.૨૮ કરોડના ખર્ચે કુલ ૩૨ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે અબડાસા પ્રાંતના કુલ ૧૦૩ વિવિધ જનસુવિધાના કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓની સાથે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.