સમગ્ર રાજ્યમાં દ્વિ-દિવસીય વિશ્વાસથી વિકાસયાત્રાનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પ્રાંતકક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં સહકાર, વન-પર્યાવરણ અને માર્ગ મકાન રાજ્ય મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે રૂ. ૪૯૭ લાખના ૨૪૩ કામોના વિકાસકાર્યોના લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયા કરાયા હતા.
ખેડબ્રહ્માના નવિન માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સહકાર, વન-પર્યાવરણ અને માર્ગ મકાન રાજ્ય મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ૨૦ વર્ષ અગાઉ ગુજરાત રાજયની શાસનધુરા સંભાળી ત્યારથી વિકાસની પરીભાષા બદલાઇ ગઇ છે. વિકાસયાત્રા ગુજરાત પુરતી જ સિમિત રહી નથી પરંતુ ગુજરાતે આજે વૈશ્વિક નામના હાંસલ કરી છે. વડાપ્રધાન શ્રી દેશના જ નેતા તરીકે જ નહિ પરંતુ વૈશ્વિક સર્વસ્વીકૃત નેતાની છાપ ઉભી કરી છે.
મંત્રી શ્રીએ સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ તાલુકાઓમાં આવેલા આમૂલ પરીર્વતની વાત કરતા જણાવ્યું હતું કે આ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૩ ગામોને પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધિ થાય તે માટે રૂ. ૨૦૦ કરોડથી વધુની પાણીની યોજના અમલી બનાવી છે તો આદિજાતિ વિસ્તારના પશુપાલકોને રોજગારીની નવી તકોનું નિર્માણ થાય તે માટે ૪૦થી વધુ દૂધઘર બનાવી તેમને દૂધાળા પશુઓની સહાય પુરી પાડવામાં આવી છે. સાથે ખેડૂતો મૂલ્યવર્ધન ખેતી કરે અને તેમના ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે માટે નવા માર્કેટયાર્ડ ઉપલબ્ધ કરાવાયા છે. ખેડૂત સન્માન નિધીની વાત કરતા મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, અંતરીયાળ વિસ્તાર પોશીનાના ૧૩,૦૦૦, વિજયનગરના ૧૫,૦૦૦ અને ખેડબ્રહ્માના ૨૧,૦૦૦ ખેડૂતોને સન્માન નિધી મળી રહી છે.
વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં આરંભાયેલી વિશ્વાસથી વિકાસયાત્રામાં રાજયમાં રૂ. ૪૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાપર્ણ–ખાતમુહૂર્ત કરાશે જેમાં સાબરકાંઠા જિલ્લાના રૂ. ૩૫૦ કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે તો વળી આજે ખેડબ્રહ્માના પ્રાંતકક્ષાના આ કાર્યક્મમાં રૂ. ૪ કરોડથી વધુના વિકાસકાર્યો પ્રજાપર્ણ કરાશે.
કાર્યક્રમામાં ઉપસ્થિત ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઇ કોટવાલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું જયારે જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ સમગ્ર કાર્યક્મની રૂપરેખા આપી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો.
વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ.શાહ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મોદણબેન પરમાર, પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચીમનભાઇ ગમાર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઇ નિનામા, પ્રાંત અધિકારી શ્રી હાર્દ શાહ, મામલતદાર શ્રી કોદરવી, અગ્રણી શ્રી જશુભાઇ પટેલ, લુકેશભાઇ સોલંકી, મુળજીભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.