ભુજ, સોમવાર: 
    અથાગ પ્રયત્ન અને અડગ નિર્ધારથી યુવાનો ધારે તે કરી શકે છે. લક્ષ્ય નકકી હોય તો મહેનતનો કોઇ વિકલ્પ ન હોવો જોઇએ. તેવું સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યૂટ ભુજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યુવાનો અને છાત્રોમાં જાગૃતિ કેળવાય તે હેતુંથી યોજાયેલા અવેરનેસ કેમ્પેઇન અને સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
    આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને સંબોધન કરતા વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રમાં અવ્વલ બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન અથાગ પ્રયત્નો કર્યા છે. હાલે તેઓ દેશ નંબર ૧ બને તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ એ ઉક્તિ હેઠળ આપણે સૌએ જનભાગીદારી કરીને દેશના વિકાસમાં ફાળો આપવો જોઇએ. ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાતના આંગણે યોજાવા જઇ રહી છે, જેમાં ૬ જિલ્લામાં આયોજન થશે અને તેમાં દેશના ૩૬ રાજયોની ટીમ ૩૬ અલગ અલગ ગેમ્સમાં ભાગ લેશે. ૭૦૦૦થી વધુ ખેલાડીઓ ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓકટોબર સુધી પોતાના જોશ અને ઉત્સાહથી ગુજરાતના મેદાનો ગજવશે. ત્યારે રમશે ગુજરાત, તો જ જીતશે ગુજરાતના સંકલ્પ સાથે રાજય અને કચ્છના વિદ્યાર્થીઓ પુરા જોશ અને ઉત્સાહ સાથે ભાગ લઇને રમતગમત ક્ષેત્રમાં પણ ગુજરાતને અવ્વલ બનાવે તેવો અનુરોધ કર્યો હતો.
    તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકારે સ્પોર્ટસ યુનિવર્સીટી શરૂ કરીને ખેલાડીઓને સુવિધા આપી છે. ત્યારે ભુજ ખાતે પણ ૩ કરોડના ખર્ચે હિલગાર્ડનની સામેની તરફ સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. જે કચ્છના ખેલાડીઓ માટે એક પ્લેટફોર્મ બની રહેશે. તેમણે છાત્રોને અભ્યાસ સાથે રમતને પણ જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
    આ પ્રસંગે ૩૬મી નેશનલ ગેમ્સના એન્થમ અને મેસ્કોટની ફિલ્મનું નિર્દેશન કરાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલી વિવિધ શાળાની ટીમ અને કોચનું ઉપસ્થિતોના હસ્તે સન્માન તથા ચેકનું વિતરણ કરાયું હતું. જેમાં હેન્ડબોલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર સુખપરની જીનલ ખેતાણી,  રાજયકક્ષાએ ખેલ મહાકુંભ-૨૨ની સ્પર્ધામાં હેન્ડબોલમાં અંડર-૧૭માં તથા ઓપન વિભાગમાં ભાગ લઇને પ્રથમ નંબર મેળવનાર માતૃછાયા કન્યા વિદ્યાલય ગલ્ર્સ હેન્ડબોલ ટીમ, રગ્બી ફુટબોલ અંડર-૧૭ ગલ્ર્સમાં પ્રથમ નંબર મેળવનાર સ્વામિનારાયણ ગુરૂકુળની ટીમ, કચ્છ જિલ્લા કક્ષાએ ખેલમહાકુંભ-૨૨માં મેડલની ટેલીમાં પ્રથમ નંબરે આવનાર એસ.કે.વી.એમ સ્કૂલ મીરઝાપર ભુજ, બીજા નંબરે આવનાર દિલ્લી પબ્લિક સ્કુલ ગાંધીધામ અને ત્રીજા નંબરે આવનાર માતૃશ્રી આર.ડી.વરસાણી સ્કૂલ ભુજના ખેલાડીઓનું અદકેરૂ સન્માન કરાયું હતું. 

    આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો હસ્તે શાળાના મેદાનમાં કબડ્ડી, રસાખેંચ, હેન્ડબોલ, દોડ વગેરે રમતોને ટોસ ઉછાળીને ખુલ્લી મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં કોલેજ અને શાળાઓમાં તા.૧૨ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ૩૬મા નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન હેઠળ કાર્યક્રમ આયોજીત થશે. જે હેઠળ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાયો હતો.
    આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ધનશ્યામ ભાઇ ઠક્કર, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંતશ્રી મેહુલ બરાસરા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી જ્યોતીબેન ઠાકુર,  સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના પ્રમુખ રામજીભાઇ વેકરીયા, મંત્રીશ્રી પ્રવીણ પીંડોરીયા, આગેવાનશ્રી અરવિંદભાઇ પીંડોરીયા, કચ્છ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી હરદેવસિંહ જાડેજા, સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યુટ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના આચાર્યશ્રી દક્ષાબેન પીંડોરીયા, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ શાળાઓના શિક્ષકો તથા મોટી સંખ્યામાં સ્કુલ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.