સુરત જિલ્લા કક્ષાની 'વિશ્વાસથી વિકાસ યાત્રા'નો સુરત જિલ્લાના કામરેજથી પ્રારંભ કરાવી કામરેજ અને પલસાણા તાલુકાના રૂ.૧૧.૫૭ કરોડના કુલ ૯૭ જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

         તા.૧૨ અને ૧૩મી સપ્ટે. દરમિયાન રાજ્યવ્યાપી 'વિશ્વાસથી વિકાસ યાત્રા'ના શુભારંભ અંતર્ગત માર્ગ,વાહનવ્યવહાર અને ઉડ્ડયન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ સુરત જિલ્લા કક્ષાની 'વિશ્વાસથી વિકાસ યાત્રા'નો સુરત જિલ્લાના કામરેજથી પ્રારંભ કરાવી કામરેજ અને પલસાણા તાલુકાના રૂ.૧૧.૫૭ કરોડના કુલ ૯૭ જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. 

              સુરત જિલ્લાના કામરેજ સ્થિત રામકબીર કોલેજ, દલપત રામા હોલ આયોજિત સમારોહમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકામાં રૂ.૬૩ લાખના ૧૬ વિકાસકામોનું ખાતમુહુર્ત અને ૧.૧૪ કરોડનાં ૧૨ કામોનું લોકાર્પણ તેમજ પલસાણા તાલુકામાં રૂ ૯.૧૪ કરોડનાં ૩૭ કામોનું ખાતમુહુર્ત અને ૬૪ લાખના ૧૬ કામોના લોકાર્પણની તકતીનું ઈ-અનાવરણ કર્યું હતું.

                આ પ્રસંગે મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરતા અને વિકાસના મંત્રને અનુસરી ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’થી નાગરિકો માટે રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ જનકલ્યાણના કામોની ભેટ મળવાની છે. કામરેજ અને પલસાણા તાલુકાને આજે મળેલી ૧૧ કરોડથી વધુની વિકાસ કાર્યોની ભેટ થી સ્થાનિક નાગરિકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે.

                 મંત્રીશ્રીએ છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા હોવાનું જણાવી ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માતા અને ગર્ભમાં રહેલા બાળકના યોગ્ય પોષણ માટે સરકારે માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને રૂ. ૫ લાખ સુધીની કેશલેશ આરોગ્યકવચ આપીને સરકારે નાગરિકોની સ્વાસ્થ્યની ઉમદા સંભાળ લીધી છે. 

             વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે ગામે ગામ ‘નલ સે જલ’ યોજનાથી પીવાના પાણીની મુશ્કેલી દૂર થઈ છે. ટ્રાયબલ વિસ્તારના ૨૯૫ ગામોમાં રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે નદી નાળા પર વિયર કમ કોઝવે બનાવવાની કામગીરી થઈ રહી હોવાનું જણાવી ‘નોંધારાના આધાર’ સમાન આ સરકારે લોકોના જીવનધોરણને સુધારવા અને સમૃદ્ધિ તરફ અગ્રેસર કરવાના અસરકારક પ્રયાસો કર્યા છે. તેમણે રાજ્યના સુપ્રસિદ્ધ સ્થળોને વૈશ્વિક ઓળખ મળે તે માટે ગુજરાત સરકારે તાજેતરમાં સિનેમેટિક પોલીસી પણ લાગુ કરી હોવાની વિગતો આપી ‘સૌના સાથ-સૌના વિકાસ’ અને ‘સૌને સમાન તકો’ના મૂળ મંત્રો થકી ૨૦ વર્ષથી પ્રજાના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે એમ તેમણે કહ્યું હતું.

                આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને ઝીલી રાજ્યની હજારો મહિલાઓ ગૃહ ઉદ્યોગોના માધ્યમથી બહોળો પ્રતિસાદ આપી પગભર બની છે. આ મહિલાઓએ નાની અને જીવનોપયોગી વસ્તુઓના ઉત્પાદન થકી ‘વોકલ ફોર લોકલ’ની વિચારધારાને મૂર્તિમંત કરી છે. 

                વધુમાં તેમણે જણાવ્યું કે, કામરેજ તાલુકાના દરેક ગામોને ડ્રેનેજ કનેક્શનથી આવરી લેવામાં રાજ્ય સરકારે ઉમદા સહયોગ આપ્યો છે. કામરેજ તાલુકાને ફાળવાયેલી IIIT (ટ્રીપલ આઈટી)કોલેજની કામગીરી પ્રગતિમાં છે એમ જણાવતા આગામી સમયમાં હાઈ-વેની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે તેવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં તંત્ર કાર્યરત છે એમ ઉમેર્યંવ હતું.

             આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અજિત આહીર, ઉપપ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ રાઠોડ તેમજ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ- ઉપપ્રમુખ, સંગઠનના અગ્રણીઓ, અધિકારીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.