ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો છે અને હજુપણ ક્યાંક ક્યાંક વરસાદ પડવાનું ચાલુ છે પણ નવેમ્બરમાં વરસાદ પડવાની શક્યતા નહિવત હોવાનું સુત્રોનું કહેવું છે, નેરૂત્યનું ચોમાસુ તા.1 સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી પાછું ખેચાવાનો પ્રારંભ થાય છે પણ આ વર્ષે રાજસ્થાનમાંથી તા.17-18 સપ્ટેમ્બરથી ચોમાસુ પાછું ખેચાશે

 ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના સુત્રોનું માનીએ તો ગુજરાતમાં તા.25-26 સપ્ટેમ્બરથી ચોમાસું પાછું ખેચાવાનો પ્રારંભ થશે અને આ સમય દરમ્યાન રાજયભરમાં વરસાદની શકયતા નહીવત બની જશે તથા શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો નવેમ્બરના પ્રથમ સપ્તાહથી અહેસાસ શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.26થી નવરાત્રીનો મહોત્સવ શરૂ થશે અને વરસાદનું વિઘ્ન નડવાની શક્યતા ખૂબ ઓછી છે.

હાલ બંગાળના અખાતમાં જે નવી દબાણની સ્થિતિ સર્જાઈ છે તે પણ આખરી વરસાદી સિસ્ટમ હોય શકે. નવરાત્રીના આગમન સાથે જ હવામાન ચોખ્ખુ થતા ગુજરાતમાં આ તહેવાર વિના વરસાદી વિઘ્નએ મનાવી શકાશે.

ખાનગી હવામાન એજન્સીની આ આગાહીથી હવે નવરાત્રીના આયોજકોમાં પુરા પ્લાનીંગ માટે સમય રહેશે. જો કે હવે ભારતીય હવામાન ખાતા દ્વારા હજુ આવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારે સરકારી હવામાન વિભાગ શુ આગાહી કરે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.