જેતપુરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી જેતપુર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. દિવસ ભરના ઉકળાટ બાદ સમી સાંજે શરૂ થયેલા પવન સાથેના વરસાદના કારણે લોકોને રાહત થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે, હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી સમી સાંજે વાતાવરણમાં પલટો આવે છે.

છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ મેઘરાજાનું આગમન થતું હોય રવિવારે જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં જેતલસર,પેઢલા, સમઢિયાળા, સરધારપુર,રબારિકા સહિતનાં ગામોમાં વાતાવરણમાં લોકોને રાહત મળી હતી. રવિવારે સાંજ સમયે અનરાધાર વરસાદ શરૂ થયેલ. બે કલાક સુધી ભારે વરસાદ વરસતા 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદથી જેતપુર બજારમાં નદીઓ વહેવા લાગી હતી

શહેરમાં સતત ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો હતો. જેમા ગઈકાલે શનિવારે અને આજે રવિવારે સતત બે દિવસથી બપોર બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સવારથી ભારે ઉકળાટ અને તડકા બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતાં. તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા શહેરના ટાકુડી પરા વિસ્તાર બજાર માં પાણી ફરી વળ્યા હતા 

તેમજ અનેક નીચાણવાળી દુકાનમાં પાણી ભરાઇ ગયા હતાં.