હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે ગાજવીજ સાથે અમદાવાદ શહેરમાં આજે સાંજે ફરી વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે શહેરના સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના બીજા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ જેવા વિસ્તારમાં 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.શનિવારે બપોર બાદ સાડા ચાર વાગ્યા પછી વરસાદી માહોલ છવાયો હતો. અને થોડાક જ સમય માં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં માત્ર એક કલાકમાં જ સાયન્સ સિટી અને બોડકદેવ વિસ્તારમાં પોણા 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ બે વિસ્તારમાં દિવસ દરમિયાન ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. કાળાં ડિબાંગ વાદળ શહેરભરમાં છવાઈ જતાં અંધકાર છવાયો હતો. ત્યારે હાઈવે પર પસાર થતા વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતાં હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારા અને ગરમીથી લોકો ત્રાશી ગયા હતા. ત્યારે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ હાલ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં સામાન્યથી માધ્યમ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યો છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.