સરહદ ઉપર દેશનું રક્ષણ કરતા જવાનોની સાથે ભગવાનના આશીર્વાદ અને ભગવાન સદૈવ સાથે રહે એવી પ્રાર્થના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીએ કચ્છની સરહદે આવેલા ભેડિયા બેટ?હનુમાન મંદિર ખાતે કરી હતી. `આઝાદી કા અમૃત મહોત્સવ' તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા હરિભકતો સાથે યોજાયેલા દેશભકિતસભર કાર્યક્રમમાં સીમા સુરક્ષા દળના જવાનોની આંખની ચકાસણીના ઓપ્થો મેટ્રિક મશીનની અર્પણવિધિ કરાઇ હતી. આ પ્રસંગે સીમા સુરક્ષા દળના કચ્છ સેક્ટરના ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવ અને કમાન્ડો સંજય અવિનાશે આચાર્ય સ્વામીજી અને સંતોને આવકાર્યા હતા. જવાનો અને હરિભકતોને' સંબોધતાં આચાર્ય સ્વામીએ કહ્યું હતું કે, સીમા સુરક્ષા દળને કોઇપણ જરૂરિયાત હોય તો તેમાં સંસ્થાના હરિભકતો સદૈવ તત્પર રહેશે. આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા બાદ ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવએ આભારની લાગણી' વ્યકત કરી હતી. સાથે જણાવ્યું હતું કે, કચ્છ સરહદે તેમના દળના જવાનો કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ભુજમાં ચલાવાતી કન્યા કેળવણીમાં સીમા સુરક્ષા દળ સહકાર આપવા તૈયાર હોવાનું ડી.આઇ.જી. સંજય શ્રીવાસ્તવે કહ્યું છે. આ પ્રસંગે સંસ્થાના વરિષ્ઠ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, ભુજ મંદિરના મહંત ધર્મવત્સલ સ્વામી તથા મહામુનિશ્વર સ્વામી, વિવેકભૂષણ સ્વામી તથા સત્યપ્રકાશદર્શન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જાદવજીભાઇ વરસાણી તથા દાતા લાલજીભાઇ ભુવા તથા સંસ્થાના હરિભકતો હાજર રહ્યા હતા.