સૌથી યુવાનવયના કચ્છના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા કચ્છમાં જ સૌથી મોટી ઉંમરના કચ્છી મહિલાનું સંભવત: સૌપ્રથમ વખત દુષ્કર ગણી શકાય તેવું PAMI (હૃદયરોગનો હુમલો ચાલુ હોય ત્યારે જ કરેલ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી)નું ઓપરેશન અહીંની કે. કે. પટેલ સુપર સ્પે. હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. યુરોલોજી, લેપ્રોસ્કોપી અને કેન્સરના ક્ષેત્રમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. તેવો જ એક વિરલ કિસ્સો હવે કાર્ડિયોલોજી વિભાગમાં તવારીખ સમો બન્યો છે.' અંજારના જાણીતા ઈએનટી સર્જન ડો. રૂત્વીજ અંજારિયાએ જણાવ્યું કે, ભુજના કંચનબેન બિહારીલાલ અંજારીઆ 94 વર્ષીયને મંગળવાર, તા. 6/9/2022ના સવારે 11 વાગ્યાની આસપાસ અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેમના પરિવારજનો તાત્કાલિક લેવા પટેલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. તેમના કાર્ડિયોગ્રામમાં હૃદયરોગનો હુમલો ચાલુ છે તેવું નિદાન થતાં સત્વરે કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. મીત મૂળરાજભાઈ ઠક્કર પાસે લઈ જવામાં આવ્યા હતા. 94 વરસની જૈફ વય, લોહીનું ઉંચું દબાણ, બેઠી દડીનું દુર્બળ શરીર, પ્રથમ વખતનો હૃદયરોગનો હુમલો ચાલુમાં હતો એવો જટીલ સ્થિતિ વચ્ચે સામાન્ય સંજોગોમાં કોઈ પણ કાર્ડિયોલોજિસ્ટ મેડિકલ મેનેજમેન્ટ એટલે કે દવાઓનો જ રસ્તો અપનાવે પરંતુ નિષ્ણાત તબીબ એવા ડો. ઠક્કરે પરિવારજનો સાથે બન્ને વિકલ્પોની ચર્ચા કરી સંયુક્તપણે નિર્ણય લઈ હૃદયરોગના ચાલુ હુમલે જ એન્જિયોગ્રાફી કરી એ પછી હૃદયની ડાબી બાજુની બે મુખ્ય ધમનીઓ કઅઉ અને કઈડમાં એમ કુલ્લ 2 સ્ટેન્ટ સિંગલ સીટીંગમાં જ મુકી દર્દીને નવજીવન મળ્યું.