સામાન્ય પરિવારમાંથી આવતા ચાર વિદ્યાર્થીઓએ પાસ કરી નીટની પરીક્ષા
આદર્શ નિવાસી શાળાના બે વિદ્યાર્થીઓએ એકલવ્ય પ્રયાસમાં કોચિંગ મેળવીને પાસ કરી નીટની પરીક્ષા
ખેડૂતની પુત્રી ઉજ્જવલા હવે ડોક્ટર બનીને પિતાનું સપનું પૂર્ણ કરશે
દાહોદનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જોઇને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને એકલવ્ય પ્રયાસનો પ્રારંભ કરવાની પ્રેરણા મળી હતી
દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષા માટેના નિઃશુલ્ક અને ગુણવત્તાં સભર કોચિંગ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ઉમદા પહેલ ‘‘એકલવ્ય પ્રયાસ’’ને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઇ છે. ગત રોજ જાહેર થયેલા નીટના રિઝલ્ટમાં ૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દાહોદનાં સામાન્ય મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓ હવે મેડીકલ સહિતના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે.
નીટ પરીક્ષામાં સફળતા મેળવાનારા ૪ વિદ્યાર્થીઓમાંથી ૨ વિદ્યાર્થીઓ દાહોદની આદર્શ નિવાસી શાળાના છે. જયારે એક વિદ્યાર્થીની ખેડૂતની પુત્રી છે. જયારે એક વિદ્યાર્થીના પિતા દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. આ વિદ્યાર્થીઓ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી હોવા છતાં પોતાની ઘગશ, પરિશ્રમ અને એકલવ્ય પ્રયાસમાં મળેલા કોચિંગની મદદથી નીટની પરિક્ષા પાસ કરી શકયા છે.
નીટ પાસ કરનારા ટીંમરડાના વિશાલ ભાભોર જણાવે છે કે, એકલવ્ય પ્રયાસ અંતર્ગત અમને ખૂબ સરસ કોચિંગ મળ્યું હતું. શિક્ષકો દ્વારા પણ તમામ ટોપિકની સરળ સમજ અપાઇ હતી. પરિક્ષાની તૈયારીથી લઇને પેપર આપતી વખતે રાખવાની ચીવટ સહિતની માહિતી અમને સારી રીતે સમજાવવામાં આવી હતી.
દાહોદનાં વિદ્યાર્થી અદા આઝમ કહે છે કે, હું આ પરીક્ષા એકલવ્ય પ્રયાસમાં મળેલા સારા કોચિંગની મદદથી પાસ કરી શકયો છું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોચિંગ માટે સારી વ્યવસ્થા અને શિક્ષકો ફાળવાયા હતા.
દાહોદનાં વિદ્યાર્થીની ઉજ્જવલા ચૌબે જેઓ ખેડૂતના પુત્રી છે. તેમના પિતાનું તેમને ડોક્ટર બનાવવા માટેનું સપનું હવે સાકાર થશે. તેઓ આ માટે એકલવ્ય પ્રયાસ અંતર્ગત અપાયેલા કોચિંગને શ્રેય આપે છે અને જિલ્લા પ્રશાસનને ધન્યવાદ પાઠવે હતા.
દાહોદની જીવનદીપ સોસાયટી ખાતે રહેતા ડીંડોડ પ્રતિક જણાવે છે કે, એકલવ્ય પ્રયાસ દ્વારા અમને ઉત્તમ શિક્ષકોનું કોચિંગ મળ્યું છે. પરીક્ષાનો માનસિક ભય દૂર થયો હતો અને હળવાશથી પરિક્ષા આપી શકયા હતા.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં દાહોદનાં હોનહાર વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી ઘડી શકે તે માટે ગત તા. ૨૮ એપ્રીલથી આ નીટ-જેઇઇ માટેના કલાસ શરૂ કરાયા હતા અને લાગલગાટ ૬૫ દિવસ સુધી ૧૭૬ કલાકનું કોચિંગ ૯ જેટલા વિષય નિષ્ણાંતોએ આપ્યું હતું. જિલ્લાના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ આ કોચિંગનો લાભ લીધો હતો.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને ‘એકલવ્ય પ્રયાસ’ નો પ્રારંભ કરવાની પ્રેરણા ખરેડી ખાતેની એક શાળાની મુલાકાત દરમિયાન મળી હતી. તેમણે દાહોદનાં તેજસ્વી વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરિક્ષાઓ પાસ કરવાની ક્ષમતા હોવાનું જણાયું હતું. પરંતુ આ માટે જરૂરી માર્ગદર્શનનો અભાવ હતો. તેથી તેમણે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અને ગુણવત્તાં સભર કોચિંગ મળી રહે તે માટે એકલવ્ય પ્રયાસનો પ્રારંભ કર્યો હતો અને પ્રથમ વર્ષે જ ચાર વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક નીટની પરિક્ષા પાસ કરી છે. જે આ ઉમદા પહેલની સફળતા છે.