શહેરમાં 13 ઓગસ્ટ બાદ છેલ્લા 28 દિવસથી વરસાદ ન થતા ભાદરવાની ગરમીનો પારો શનિવારે 38 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા. જિલ્લામાં શનિવારે આખો દિવસ ગરમી અને બફારો રહ્યા બાદ સાંજે કડાકાભડાકા સાથે કાળા ડીબાંગ વાદળોએ શહેરને ઘેરી લીધું હતું. ચૂડામાં 23, થાન 6, ધ્રાંગધ્રા 1, મૂળી 18, લીંબડી 16, વઢવાણ 5, સાયલામાં 5 જ્યારે ચોટીલા સહિત વરસાદી ઝાપટા પડતા કુલ 81 મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે હવાની ગતિ 8કિમી અને ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું.આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઇ રહેશેની હવામાન વિભાગે જાહેરાત કરી છે. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ હડિયલના 13 વર્ષનો દીકરો શક્તિ ગામમાં સુંદરકાંડ હોવાથી જોવા ગયો હતો.વરસાદ, વીજળીના કડાકા ભડાકા શરૂ થતા તે ઘરે પરત ફરી રહ્યો હતો. છેવાડે ઘર આવેલું હોવાથી ચાલીને જતા ત્યાં જ મેદાનમાં એકાએક વીજળી પડતા ઘટના સ્થળે જ શક્તિનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. જ્યારે વઢવાણ સતવારાપરા જેરામપરા શેરી નં.3માં રહેતા 35 વર્ષના મનજીભાઈ જવેરભાઈ મોરી ખેતરમાં પાણી પાતા હતા ત્યારે વીજળી પડતાં તેઓનું મોત થયું હતું.લીંબડી તાલુકામાં બપોરે ભારે બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી સવગુણ સોસાયટીમાં વીજળી પડતાં 3 ઘરના ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા. 1 મકાનના ધાબાની પેરાફિટને નુકસાન પહોંચ્યું હતું. લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં મોલાતને નવજીવન મળ્યું હતું.