રાજકોટ રેન્જ દ્વારા સાયબર ક્રાઈમ લોક જાગૃતિનો કાર્યક્રમ ગોંડલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સાઇબર ક્રાઈમના પી.આઈ.આર.જે રામ, પીએસઆઈ સી.બી. વાંક અને પીએસાઈ સી.એસ. મયાત્રા અને ગોંડલ શહેરના પી.આઈ. એમ.આર સંગાડા સહિતના અધિકારીઓએ સાઇબર ક્રાઈમના લોકો કઈ રીતે ભોગ બને છે, ભોગ બન્યા પછી શું કરવું તેને લઇને માહિતગાર કરવામાં આવ્યા હતા. કોઈ અજાણ્યા માણસ આપણને લાભ આપવા માટે ફોન કરતા નથી, જે માત્ર ફ્રોડ જ હોય છે.

યુપીઆઈ / એટીએમ પાસવર્ડ જાહેરમાં કોઈ કોઈ જુએ એવી રીતે નાખશો નહિ, કોઈ પણ લિંક ખોલાવી નહિ, અજાણ્યા નંબરનો વિડિયો કોલ ઉપાડવો નહીં. સોશિયલ મીડિયામાં ખોટા આઈડીમાં મિત્ર બનાવી વધુમાં વધુ લોકો ભોગ બને છે. જેમાં સાઇબર ક્રાઈમમાં આવું કંઈ પણ બને તો તરત જ ૧૯૩૦ નંબર ઉપર ફોન કરી ફરિયાદ કરવા જણાવાયું હતું.

આ તકે પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, દીપકભાઈ ઘોણીયા, અશોકભાઈ શેખડા, રજનીશભાઈ રાજપરા, ગોપાલભાઈ સખીયા, હિતેશભાઈ દવે, પાલિકાના સભ્યો, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, મહિલા પોલીસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સાયબર ક્રાઇમ કોને કહી શકાય

આ તકે અધિકારીઓએ ઉપયોગી માહિતી આપતાં જણાવ્યું હતું કે ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ એટલે કે ખોટા વીડિયો જાેવા, ખોટી આદત પડવી, બ્લેકમેઈલ કરવું, કોઈના અંગત ફોટા કે વીડિયો વાઇરલ થવા, સાઇબર ક્રાઈમ વિશે એટલે કે કમ્પ્યુટર, ઈન્ટરનેટવાળું કોઈ પણ સાધન કે ઈન્ટરનેટ નેટવર્કના ઉપયોગથી થતી ગુનાહિત પ્રવૃત્તિ, ડિજિટલ માધ્યમથી છેતરપિંડી, વ્યક્તિગત માહિતીની ચોરી, ખોટી માહિતી આપવી અથવા તો માહિતીનો નાશ કરવો, ઓનલાઈન ધમકી આપવી, બદનામી કરવી વગેરે સાઇબર ક્રાઈમમાં આવે છે. સાઇબર ક્રાઈમ થવા પાછળનું મુખ્ય કારણ ડર, લાલચ, અને આળસ જાેવા મળે છે.

સાયબર ફ્રોડનો ભોગ બનો તો ફરિયાદ કરવા આગળ આવવું

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આબરૂ જવાના બદલે કોઈ ફરિયાદ નથી કરતા. સાઇબર ક્રાઈમના ભોગ બનનાર લોકોની માહિતી સિક્રેટ જ રાખવામાં આવે છે. જાે કોઈ લોકો ભોગ બન્યા હોઈ તો આગળ આવીને સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી શકે છો અને આ ક્રાઈમનો ભોગ બનતા અટકી શકે છે.