અમદાવાદ
આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકના કરન્સી ચેસ્ટ મેનેજરે બેંકના રૂ.11.50 લાખનો ફાંદો કર્યો હતો. ઓડિટ રિપોર્ટમાં ભાંડો ફૂટી જતા મેનેજરે નોટો બદલવા આપી હોવાનું કહી રૂ. 2 હજારની નોટોનાં બંડલોમાં રૂ.1 હજારના દરની જૂની બંધ થયેલી નોટો મૂકી દીધી હતી. જોકે પૈસાનો હિસાબ ન મળતા બેંકે મેનેજર અને ઓફિસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ચાંદખેડામાં રહેતા સંદીપ શિરોહી આશ્રમ રોડ પર આવેલી કેનેરા બેંકની રિજિયોનલ ઓફિસમાં આસિ. જનરલ મેનેજર છે. તેમનું કામ કેનરા બેંકની જુદી જુદી બ્રાન્ચનું મોનિટરિંગ કરવાનું છે. બેંકની કરન્સી ચેસ્ટ બ્રાન્ચ આશ્રમ રોડ પરના નેપ્ચુન ટાવરના બેઝમેન્ટમાં છે. કેનરા બેંકની કોઈ પણ બ્રાન્ચમાં કેશ વધી જાય તો તે કેશ આ કરન્સી ચેસ્ટમાં જમા કરવામાં આવે છે.કરન્સી ચેસ્ટમાં મેનેજર તરીકે સુનીલ પટેલ ફરજ બજાવે છે. તેની બીજી ચાવી ઓફિસર હિરેન પરમાર પાસે રહે છે. કરન્સી ચેસ્ટનું સમયાંતરે બેંક તરફથી ઓડિટ કરવામાં આવે છે. બેંકની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા કરન્સી ચેસ્ટનું 1 જુલાઈ, 2022ના રોજ ઓડિટ કરાયું હતું, જેમાં 6.28 લાખ ઓછા હતા. આ વિશે મેનેજર સુનીલ પટેલને પૂછતા તેમણે કહ્યું હતું કે, ‘નોટ બદલવા માટે લઈ ગયા છે, આ પૈસા હું ચેસ્ટમાં મૂકી દઉં છું.’ આટલું કહી પૈસા કરન્સી ચેસ્ટમાં મૂકી દીધા હતા, પરંતુ કેશ ઓછી હોવાનું પુરવાર થતા સુનીલ અને હિરેનને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા.ત્યાર બાદ પણ કેશ ઓછી હોવાની શંકા જતા ઓડિટ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં 2 હજારના દરની 1 હજાર નોટોમાં 1 હજારની બંધ થઈ ગયેલી જૂની 480 નોટ મળી આવી હતી. જ્યારે 95 નોટ ઓછી હતી. આમ રૂ. 2 હજારના દરની 575 નોટ ઓછી હતી. આથી આ અંગે સંદીપ શિરોહીએ સુનીલ પટેલ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.