હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારના સમૂહમાં આવતા ધન તેરસના તહેવાર પર રચાતા ગુરુ પુષ્ય નક્ષત્ર પર સોના-ચાંદીની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આજે ડીસાની સોના-ચાંદીની દુકાનોમાં ધનતેરસના તહેવાર પર ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીની ધૂમ ખરીદી જોવા મળી હતી.
ભારતીય પંચાંગ નક્ષત્રોના આધારિત હોય છે અને અલગ અલગ સમય પર અલગ અલગ નક્ષત્ર ચાલતા હોય છે. આ તમામ નક્ષત્રોના મહત્વ પણ અલગ અલગ હોય છે. જે રીતે મઘા નક્ષત્રમાં વરસાદનું મહત્વ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મહત્વ રહેલું છે. સાથે જ ધનતેરસના દિવસે લક્ષ્મીજી પૂજા કરતા હોય છે. તે દિવસે પણ સોના ચાંદી ખરીદવાથી લક્ષ્મીજી આપણા ઘરે પધારે છે. તેવી પણ લોકોમાં માન્યતા હોવાથી પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે લોકો મોટી સંખ્યામાં સોના ચાંદીની ખરીદી વધુ કરતા હોય છે.
આજે ધનતેરસ પર ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદી બજારમાં સોના અને ચાંદીની ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને લઈ જ સોના-ચાંદીના ભાવો ગત વર્ષની સરખામણીએ ઊંચા હોવા છતાં આજે સામાન્ય દિવસોની સરખામણીમાં દશ ગણી વધારે સોના અને ચાંદીની ખરીદી થઈ હતી.
આ અંગે સોના-ચાંદીના વેપારી જયેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે વર્ષમાં સોના-ચાંદીની ખરીદી માટે બે દિવસ શુભ માનવામાં આવે છે અને આ બે દિવસ દરમ્યાન લોકો સામાન્ય દિવસો કરતાં દશ ગણી વધુ સોના-ચાંદીની ખરીદી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ સોના અને ચાંદીના ભાવોમાં પંદર ટકા જેટલો વધારો થયો હોવા છતાં આજે એક દિવસ માટે સોના અને ચાંદીની ખરીદીમાં જોરદાર તેજી જોવા મળી હતી.