ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.બી.વકીલ ઈંગ્લીશ મીડીયમ નામની ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી ભરવામાં મોડું કરતા વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વાલીએ શિક્ષણ શાખામાં ફરિયાદ કરી છે.જેને કારણે શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ખંભાત તાલુકાના પોપટવાવ ખાતે રહેતા સતીષકુમાર પટેલે ખંભાત શિક્ષણ શાખાના તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે, તેઓના બે બાળકો ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.બી.ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરે છે.કોરોના કાળ જેવી પરિસ્થિતિમાં પણ બંને બાળકોની નિયમિત ફી ભરી હતી.પરંતુ ચાલુ વર્ષે બીજા સત્રની ફી ભરવામાં પંદર દિવસ મોડું થતા બંને બાળકોને સંચાલકના સૂચનાથી આચાર્યા સહિત શિક્ષકે આખો દિવસ વર્ગખંડમાંથી બહાર ઓફીસમાં નીચે બેસાડી રાખવામાં આવ્યા હતા.બે દિવસ સતત બાળકો સાથે સંચાલક,આચાર્યા તમેજ શિક્ષક દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું.એક તરફ સરકાર શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.ત્યારે ખાનગી શાળાના સંચાલકો દ્વારા માસુમો પર કરાતા આવા વ્યવહાર કલંકરૂપ બનતા સંચાલકોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગણી કરી લેખિતમાં કરી છે.
આ અંગે ખંભાતના શિક્ષણ અધિકારી ડામોરે જણાવ્યું હતું કે, બાળકો ઉપર ટોર્ચર ન કરી શકાય.આ બાબતે મને લેખિતમાં ફરિયાદ મળી છે.તેની તપાસ કરી વડી કચેરીએ અહેવાલ મોકલી અપાશે.ત્યારબાદ સૂચના મળતા સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.