અંબાજી ત્રિશુળીયા ઘાટ પર આઇ.ટી.આઇ.ની ચા પદયાત્રિકો માટે ટોનિક સમાનઃ એક ચા ની ચુસ્કીથી થાકેલા પદયાત્રીઓ નવી તાજગી સાથે રિચાર્જ થઇ જાય છે
છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ની ચા નો કેમ્પ માઇભક્તોની સેવામાં સેવારત
૨ વર્ષથી આ કેમ્પની ચા પીવું છું ટેસ્ટ એ જ છેઃ પદયાત્રી જયેશભાઇ મોદી
ચા એ આપણા જીવનમાં વણાયેલી અણમોલ ચીજ છે. ચા થી આપણી સવાર પડે છે. ચા એકબીજાને પ્રેમથી પીવરાવવામાં આવતું પીણું છે. ચા ની ચુસ્કી ભરતા ગરમ- ગપાટા મારતા, પોલીટીક્સ અને દુનિયાભરની વાતો કરવાની કડી એટલે ચા. ચા વિશે ઘણાં શાયરો અને કવિઓએ શેર પણ લખ્યા છે.
मायूस चेहरे उस वक्त खिलेंगे,
जब सारे दोस्त एक साथ चाय पर फिर मिलेंगे।।
જ્યારે ચા ની કીટલી પર મિત્રો મળે એટલે દુનિયાભરની વાતો કરે છે. આ ઉપરાંત આપણે કોઇને મળવા બોલાવીએ તો પણ આવો જોડે ચા પીશું. આમ ચા એ સંબંધ જોડવાની જગતમાં સૌથી શ્રેષ્ઠ કડી છે.
હાલ આદ્યશક્તિ મા અંબેની આરાધાના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આ માઇભક્તોની સેવા અને સુશ્રુષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માઇભક્તોની સેવા કરે છે આજે એમાં ચા ના સેવા કેમ્પની વાત કરવી છે.
અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતુ હોય તો તે ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા ૩૭ વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષેાથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.
આ સેવાકેમ્પની ચા નો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી શ્રી જયેશભાઇ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૨૨ વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી અહીં આઇ.ટી.આઇ.ના સેવા કેમ્પની ચા પીવું છું. ૨૨ વર્ષથી ચા નો એ જ ટેસ્ટ છે જરાય બદલાયો નથી આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે.
બીજા પદયાત્રી શ્રી રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, હું પાટણથી અંબાજી ચાલતો આવું છું. ત્રિશુળીયા ઘાટ ચડતી વખતે થાકી જાઉં છું પરંતુ અહીં ચા પીધા પછી મારા શરીરમાં તાકાત આવે છે અને ફટ કરતો થાક ઉતરી જાય છે એટલે આ ચા પદયાત્રિકો માટે ટોનીક સમાન પુરવાર થઇ રહી છે. આ ચા યાત્રિકોને જાણે રિચાર્જ કરવાનું કામ કરે છે.
શ્રી જય અંબે આઇ.ટી.આઇ. સેવા કેમ્પના આયોજકશ્રી જે. ડી. પટેલે જણાવ્યું કે છેલ્લા ૩૭ વર્ષથી અમે આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્રો મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ અત્યારે ૩૮ મું વર્ષ ચાલી રહ્યું છે અને ૭૫ મી પૂનમ છે. અમે વર્ષમાં બે વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ.
ચા નો ટુંકો ઇતિહાસ
બોટનીની ભાષમાં ‘‘કેમેલીઆ સીનેસીસ’’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે. ૧૬ મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચડાવવા આપતા હતા. ૧૭ મી સદીમાં બ્રિટનમાં ચા નો વપરાશ શરૂ થયો ત્યાંથી ભારતમાં ચા નું આગમન થયું. ચા ના છોડને ભારતમાં આસામ અને કુર્ગ (તમિલનાડુ) માં વાતાવરણ અનુકૂળ હોવાથી ત્યાં ચા નું વાવેતર અને ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. અત્યારે આખી દુનિયામાં ભારત ની ચા નિકાસ થાય છે અને આખી દુનિયામાં ઉત્પન્ન થતી ચા માં ૩૨ ટકા ચા ભારતની છે અને જેનો ૧૦,૦૦૦ કરોડનો બિઝનેશ છે.