મહુવાના સેંદરડા ગામના મુસ્લિમ દંપતિને કસૂરવાર ઠેરવી વિદ્વાન એફ . એસ. પરીખ મેડમનો અસરકારક ચૂકાદો : પતિ-પત્નિ બંનેને બે વર્ષની કેદ

સરકારી વકિલ વિજય માંડલિયા અને રૂબીના ખલાણીની ધારદાર દલિલો - પૂરાવા ગ્રાહય રહયા

ગુજરાત છાયા તા. ૮

ભાવનગર જિલ્લાના મહુવા પાસેના સેંદરડા ગામે રહેતા મુસ્લિમ દંપતિને આજે મહુવાના એડીશ્નલ સેશન્સ જજ એફ. એસ. પરીખ મેડમે કસૂરવાર ઠેરવી બંને પતિ-પત્નીને બે વર્ષની કેદ અને દંડ ફટકાર્યો હતો.

બનાવની ઉપલબ્ધ થતી પ્રાથમિક વિગતો મુજબ મહુવાના સરકારી વકિલ વિજય માંડલિયાએ ‘ગુજરાત છાયા’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે મહુવાના સેંદરડા ગામે રહેતા મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ માંડવિયા અને તેના પત્ની શહેનાઝબેન મહેબુબભાઇ માંડવિયાના ઘેર દિકરાનો જન્મ થયો હતો અને આ બાળકના જન્મ બાદ શહેનાઝબેનના પતિ મહેબુબભાઇએ એવું કહયું હતું કે આ બાળક મારું નથી અને બાળકને ત્યજી દઇ આ બાળક હું નહીં રાખું તેમ કહેતા બંને પતિ-પત્નીએ આ નવજાત શિશુ બાળકને મહુવા પાસેના ઉમણીયાવદર ગામ પાસે આવેલ કોંજળી રોડ પરના ખોડિયાર માતાની દેરી પાસે ખુલ્લી જગ્યામાં બાળકને ફેંકી દીધું હતું અને બાળકનું મૃત્યુ થયું હતું. આ મામલે ભરતભાઇ બાબુભાઇ ડાભીએ મહુવા પોલીસને જાણ કરી હતી અને આ મામલે ગુનો નોંધાયા બાદ તપાસ દરમિયાન પોલીસે મહેબુબભાઇ અને તેના પત્ની શહેનાઝબેન સામે કાનુની કાર્યવાહી કરી હતી. ઉકત કેસ આજે મહુવાના પાંચમા એડી. સેશન્સ જજ એસ. એફ. પરીખ મેડમની કોર્ટમાં ચાલી જતાં જજ પરીખજીએ સરકારી વકિલ વિજય માંડલિયા અને રૂબિના ખલાણીની ધારદાર દલિલોને ગ્રાહય રાખી આરોપી પતિ-પત્નીને બે વર્ષની કેદ અને રૂપિયા ૨ હજારનો દંડ ફટકાર્યો હતો.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી