રાજકોટનો રહીશ મમતાબેન ભચુભાઈ ગઢીયાએ તેના પતિ પ્રવિભાઈ વાઘજીભાઈ વસાણી સામે રાજકોટ ફેમિલી કોર્ટમાં અને ભરણપોષણ મેળવવા અરજી કરેલ.
અરજીની વિગત મુજબ અરજદાર બહેનના લગ્ન સામાવાળા પ્રવિભાઈ સાથે થયેલ છે અને લગ્નજીવનથી એક પુત્રનો જન્મ થયેલ છે. અરજદારના સામાવાળા સાથે આ બીજા લગ્ન છે. પૂર્વ લગ્નથી કુલ-૫ સંતાન હતા. લગ્ન બાદ સામાવાળાએ સ્ત્રીધન અને કરીયાવરની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરેલ. તેમજ સામાવાળા દારૂ પીને અરજદારને કોઈપણ જાતના વાંક- ગુના વગર મારકુટ કરતા અને બિભત્સ ગાળો આપી ઢીકા- પાટુનો માર મારતા તેમજ પૈસા ચોરીનો આળ મુકી મારકૂટ કરતા અને કેરોસીન છાંટી જીવતા સળગાવી દેવાની કોશિશ કરેલ, તેમજ પિયરમાંથી પૈસા લઈ આવવા દબાણ કરતા અને તે માંગણી પુરી કરવામાં ન આવે તો પિયરીયાને મરવી નાખીશ તેવી ધમકી આપતા જેથી અરજદારને જાનનું જોખમ લાગતા મહિલા પો.સ્ટે.માં ફોન કરી પોતાનો જીવ બચાવવા પોલીસને બોલાવેલ, મહિલા પોલીસની ગાડી આવી અરજદારને સામાવાળાના ત્રાસમાંથી બચાવેલ અને ત્યારબાદ અ૨જદારે ભાઈના ઘરે આશરો લેવો પડેલ. પરંતુ સામાવાળાએ ભરણપોષણ કરવા કે તે બાબતે કોઈ રકમ આપવા દરકાર નહીં કરતા અરજદારએ રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરેલ.
જેથી કોર્ટએ સામાવાળા પ્રવિણભાઈ વસાણીની પચાસ હજાર આવક માની અરજદાર હંસાબેન વસાણીને અરજીની તારીખથી પ્રતિમાસ રૂા.૧૨,૦૦૦ ભરણપોષણ ચૂકવવા આદેશ કરેલ છે.
આ કેસમાં અરજદાર વતી વિકાસ કે. શેઠ, એડવોકેટ તથા પ્રકાશભાઈ બેડવા એડવોકેટ તેમજ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બ્રિજ વી. શેઠ રોકાયેલ હતા.