સુખીડેમનું જળસ્તર વધતા પાણી છોડવાની શક્યતા જોતા ભારજ નદીના કિનારાના ૧૮ ગામોને સાવચેત કરાયા
છોટાઉદેપુર જીલ્લામાં અવિરત વરસાદને લઈને જીલ્લાની જીવાદોરી સમાન સુખીડેમના જળસ્તર માં નોંધપાત્ર વધારો થતા રાત્રી દરમિયાન પાણી છોડવાની શક્યતા જોતા પાવી જેતપુર તાલુકાના ૧૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જેને લઇને જીલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમના જળસ્તર માં નોંધપાત્ર વધારો થયો છે.સુખી ડેમમાં પાણીની આવક ૧૦૮૨૯.૬૯ ક્યુસેક છે. સાંજના ૫ વાગ્યે સુખી ડેમનું જળસ્તર ૧૪૬.૧૬ મીટર થયું હતું. આજનું રૂલ લેવલ ૧૪૭.૬૦ મીટર હોઇ, જે મેન્ટેઇન કરવા માટે રાત્રી દરમિયાન પાણી છોડવાની શક્યતા જોવાઇ રહી છે.રાત્રી દરમિયાન પાણી છોડવાની શક્યતાને જોતા ભારજ નદીના કાંઠાના ડુંગરવાંટ,ઘૂંટણવડ, ઘુટિયા,ગંભીરપૂરા, નાનીબેજ,મોટીબેજ, સજોડ, ખાંડિયા અમાદર, હૂડ, વદેસિયા, ઠલકી, લોઢણ, પાલીયા, કોલિયારી,નાની રાસલી, મોટી રાસલી, સિહોદ, શિથોલ સહિત ૧૮ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારજ નદીના કાંઠાના વિસ્તારના ૧૮ ગામોના લોકોને નદી કિનારે અવર જવર નહિ કરવા તેમજ પશુધન ચરાવવા ન જાય તે માટે ગામ લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
સુખી ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક ખૂબ ઓછી જોવા મળી હતી પરંતુ બે દિવસના અવિરત વરસાદને લઈ નોંધપાત્ર આવક થતાં ખેડૂત ખુશી જોવા મળી રહ્યો છે.