૮મી સપ્ટેમ્બરને 'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજના યુગમાં ફાસ્ટ લાઇફ અને અનિયમિત ખાદ્ય આદતોને લીધે રોગો વધી રહ્યાં છે. આજે હાડકાં અને સાંધાઓ સાથે સંકળાયેલી બીમારીઓમાં તેમજ અન્ય ઘણી બીમારીઓમાં કસરત અને ફિઝીયોથેરાપીનું મહત્વ અનેકગણું વધી રહ્યું છે.
'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીનાં જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં રોજનાં 4500 થી 5000 દર્દીઓ ફીઝીયોથેરાપી અંગેની સારવાર અર્થે આવે છે, જ્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં રોજના 50 થી 60 દર્દીઓને અલગ અલગ પ્રકારની કસરતો અને અન્ય સંલગ્ન ફીઝીયોથેરાપી સારવાર આપવામાં આવે છે. આમ, સિવિલ હોસ્પિટલમાં વર્ષે અંદાજિત 18000 જેટલાં દર્દીઓને ફીઝીયોથેરાપી સાથે સંકળાયેલી સારવાર પૂરી પાડવામાં આવે છે, જે દર્શાવે છે કે ફિઝિયોથેરાપી ટ્રીટમેંન્ટ આજે ખૂબ જ અગત્યની ટ્રીટમેંન્ટ બની રહી છે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફીઝીયોથેરાપી અને ફીઝીયોથેરાપીસ્ટની જરૂરિયાત આવનારા દિવસોમાં અનેકગણી વધવાની છે.
'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' નિમિત્તે 'ઓસ્ટીઓઆર્થરાઈટીસ' અને ફીઝિયોથેરાપીનું મહત્વ સમજાવતા ફિઝિયોથેરાપિસ્ટ ડો. સ્વીટી શાહ જણાવે છે કે, આપણે સૌ એવું માનીએ છીએ કે જો આપણને કોઈ બિમારી ન હોય તો આપણે સ્વસ્થ છીએ, પરંતુ હું જો આપને કહું કે આ મિથ્યા છે તો..!!!
WHO એ સ્વાસ્થ્ય માટેની ખૂબ સરસ વ્યાખ્યા આપી છે, “It’s the state of complete mental, social and physical well being; not merely absence of disease.” એટલે કે ફ્કત બિમાર ન હોવુ એ સ્વસ્થ હોવાની નિશાની નથી. તે માટે વ્યકિતની માનસિક, સામાજિક અને શારીરિક તંદુરસ્તીનો સમન્વય હોવો ખૂબ જરૂરી છે.
૧૯૯૬થી દર વર્ષે ૮ મી સપ્ટેમ્બરને 'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે; જેનો હેતુ લોકોને તેઓના શારીરિક સ્વાસ્થ અંગે સજાગ કરવાનો અને લોકોને ચાલતા- ફરતા, સક્રિય, સ્વસ્થ અને સ્વતંત્ર રાખવા માટે ફીઝીયોથેરાપીસ્ટના નિર્ણાયક રોલને બિરદાવવાનો છે.
દર વર્ષે લોકોમા જાગૃતતા લાવવાનાં હેતુસર વિવિધ થીમ હેઠળ 'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ - "Osteoarthritis and the role of Physiotherapy in its prevention and management" રાખવામાં આવી છે.
'ઓસ્ટીઓઆર્થરાઈટીસ' ને સામાન્ય ભાષામા સાંધાનો દુખાવો કહી શકાય. આજે લગભગ દરેક માણસ કોઈ ને કોઈ સાંધાના દુખાવાથી પીડાતો જોવા મળે છે. સામાન્ય રીતે આ દુખાવો પગના ઢીંચણ, કોણી કે થાપામાં વધારે જોવા મળતો હોય છે. આવો દુખાવોની માણસની લાઈફ સ્ટાઈલ પર ખાસી અસર કરતો હોય છે.
'ઓસ્ટીઓઆર્થરાઈટીસ' નો પ્રાથમિક ઈલાજ તો કસરત જ છે અને કસરત માટે એક ફીઝીયોથેરાપીસ્ટ જ યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપી શકે છે. વિવિધ પ્રકારની કસરતો પૈકી દર્દીની ઉંમર, ફીઝીકલ કન્ડીશન, અને દુખાવાની સમસ્યાને ધ્યાને લઈને કેવા પ્રકારની અને કેટલી માત્રામા કસરત કરી શકાય તે બાબતોનુ વૈજ્ઞાનિક રીતે પૃથ્થકરણ કરીને ફીઝીયોથેરાપીસ્ટ સારવાર કરતા હોય છે. જેમ કે દોડવાની કસરતમાં કેવી રીતે સ્ટાર્ટ કરવુ, કેટલા સમય માટે અને કેટલા પ્રમાણમા તેમજ કેવી સરફેસ પર દોડવાની કસરત કરવી જેવી તમામ બાબતો આવરી લઇને ફીઝીયોથેરાપીસ્ટ સારવાર કરતા હોય છે.