બ્રિટનના નવા વડા પ્રધાન લિઝ ટ્રસે ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ સુએલા બ્રેવરમેનને દેશના નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. સુએલા આની પહેલા પણ વડાપ્રધાન પદના દાવેદાર રહી ચૂકયા છે, પરંતુ ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં જ તે બહાર થઈ ગયા હતા. 42 વર્ષના સુએલા પાસે કેબિનેટ મંત્રી તરીકે માત્ર બે વર્ષનો અનુભવ છે પરંતુ તેઓ છેલ્લા સાત વર્ષથી સાંસદ છે. તેમની કારકિર્દીમાં પ્રથમ વખત તેમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુએલા બ્રેવરમેન ફેરહેમથી સાંસદ છે. તેઓ અગાઉ એટર્ની જનરલના પદ પર હતા. તેમણે વડાપ્રધાન પદની ચૂંટણીમાં ઋષિ સુનકને બદલે લિઝ ટ્રસને સમર્થન આપ્યું હતું, ચૂંટણી દરમિયાન લિઝ ટ્રસને સમર્થન આપતા બ્રેવરમેને કહ્યું હતું કે, લિઝ હવે વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. તેમને આ કામ શીખવાની જરૂર નથી. આ કામ મુશ્કેલ છે. પાર્ટીના છેલ્લા છ વર્ષ કઠિન રહ્યા છે પરંતુ હવે સ્થિરતાની જરૂર છે. બ્રિટનના નવા ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા બાદ સુએલાએ ટ્વીટ કર્યું, "ગૃહમંત્રી તરીકે નિયુક્ત થવા માટે ખૂબ જ સન્માનિત. ગૃહમંત્રી તરીકે દેશની સેવા કરશે. આ તક માટે લિઝ ટ્રસનો આભાર.