ધોબી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કર્યું.

-:મુખ્યમંત્રીશ્રી:-

• જે કહેવું તે કરવું અને જે કરવું તે જ કહેવું એવી કાર્યસંસ્કૃતિ ગુજરાતની ભાજપા સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અપનાવી

• ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશભરમાં અવ્વલ 

• ગુજરાત સરકાર તમામ સમાજ-વર્ગોના સામુહિક ઉત્કર્ષ માટે કર્તવ્યરત

.........

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જે કહેવું તે કરવું અને જે કરવું તે જ કહેવું એવી કાર્યસંસ્કૃતિ ગુજરાતની ભાજપા સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અપનાવી છે. ઠાલા વચન-વાયદાઓ આપી સત્તા મેળવવાની હોડ કરનારા ક્યારેય સાચો વિકાસ કરી શકે નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત ધોબી સમાજના સ્નેહમિલન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. ધોબી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશભરમાં અવ્વલ દરજ્જાનું છે. જરૂરતમંદોને સહાય-મદદ કરવામાં, ગરીબ-મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સરકારે ક્યારેક પાછી પાની કરી નથી અને કરશે પણ નહીં.

તેમણે કહ્યું કે, હવે તો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી યોજનાઓના સેચ્યુરેશનનો વિચાર આપ્યો છે. યોજનાઓના લાભ કરોડો નાગરિકોને ઘરે બેઠાં મળી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર તમામ સમાજ-વર્ગોના સામુહિક ઉત્કર્ષ માટે કર્તવ્યરત છે. જ્યાં જેમને જેવી જરૂર હશે, ત્યાં સરકાર તેમની પડખે છે, પરંતુ રેવડી કલ્ચરમાં આપણે સપડાવવાનું નથી. આ રાહે ચાલનારાઓની હાલત શી થઈ છે, તે સૌ કોઈ જાણે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઈ પણ સમાજની ઉન્નતિ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. પરંપરાગત વ્યવસાયો, ધંધા-રોજગારમાં પણ સમયાનુકૂલ બદલાવ જરૂરી છે અને એ યોગ્ય શિક્ષણથી જ આવી શકે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ સારી છે. સેક્ટોરલ યુનિવર્સિટીઝ, પ્રોફેશનલ કોર્સિસ, અદ્યતન શિક્ષણ વ્યવસ્થાની ગુજરાતમાં કમી નથી. પરિણામે હજારો-લાખો તબીબી-ઈજનેર જેવા હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલ રાજ્યમાં ભણી-ગણી તૈયાર થાય છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સુશાસનને પરિણામે કોરોના મહામારીમાં પણ દેશ અને ગુજરાતનું અર્થતંત્ર અટક્યું નથી. વિકાસકામો પણ અટક્યાં નથી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની ઈકોનોમી દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બની છે.

તેમણે કહ્યું કે, ગુજરાતને હવે ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે, ત્યારે દરેક સમાજે રાજ્યની વિકાસયાત્રામાં જોડાઈને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ સૂત્ર ચરિતાર્થ કરવું જોઈએ.

આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ભગવાનદાસ, ધોબી સમાજના અગ્રણી સર્વે શ્રી વ્રજકિશનભાઈ ધોબી, શ્રી મહેશભાઈ ધોબી, શ્રી શશિકાંતભાઈ ધોબી, શ્રી અશોકભાઈ ધોબી, તેમ જ મોટી સંખ્યામાં ધોબી સમાજના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી