પોરબંદર ખાતે તા.૫ના રોજ યોજાયેલ જિલ્લાકક્ષાના શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત જિલ્લાના સાત કર્મયોગી શિક્ષકોને મહાનુભાવો દ્રારા પ્રમાણપત્ર તથા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ સમારોહમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા ભોદ સીમ શાળાના શિક્ષક અમિતભાઇ સાતા વિધાર્થીઓેને અંગ્રેજી વિષયના શિક્ષણની સાથે સાથે ખેલમહાકુંભમાં ભાગલેવા પણ જરૂરી માર્ગદર્શન આપે છે. તો શિક્ષિકા લીલુબેન ગોઢાણીયા શાળાના વિધાર્થીઓને માતૃભાષાનુ શિક્ષણ શીખવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

 બાળકોનુ ઘડતર કરવામા માતા-પિતા ઉપરાંત શિક્ષકોનુ ખુબ જ મહત્વનુ યોગદાન હોય છે. અને એટલે જ ગુરુને સમાજ દ્રારા ઉચ્ચ દરજ્જો આપવામા આવ્યો છે. રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ ક્ષેત્રે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેના પરિણામે ખાનગી શાળાઓમાથી વિધાર્થીઓ સરકારી શાળામા એડમીશન લઇ રહ્યા છે. સરકાર દ્રારા શિક્ષકો માટે જુદી જુદી તાલીમ પણ યોજવામા આવે છે જેથી વિધાર્થીઓનો યોગ્ય દિશામા વિકાસ થઇ શકે. ત્યારે પોરબંદર જિલ્લાના શિક્ષકો વિધાર્થીઓના યોગ્ય દિશામા ઘડતર કરવા માટે કટીબધ્ધ છે.

શિક્ષક અમિતભાઇએ કહ્યુ કે, “વિધાર્થીઓ મુખ્ય અંગ્રેજીમાં રસ લઇને ભણે તે માટે હું સતત પ્રયત્શીલ રહુ છું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્રારા યોજાતી ખેલમહાકુંભમાં શાળાના બાળકો ભાગ લઇને વિજેતા બને તે માટે અમે શાળાના શિક્ષકો પ્રયતશીલ રહીએ છીએ. ખેલમહાકુંભમા ભાગ લેવા મે શાળાના વિધાર્થીઓને ચેસની તાલીમ પણ આપી હતી. જેમા એક વિધાર્થી રાજ્યકક્ષાએ ચેસમાં પહોચ્યો હતો. આ ઉપરાંત જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં પણ ભાગ લઇને પોતાનામાં રહેલી સ્કીલ ઉજાગર કરુ છુ તથા અવનવા પ્રયોગો દ્રારા વિધાર્થીઓને અંગ્રેજી વિષયનુ શિક્ષણ સરળતાથી મળી શકે તે માટે હું પોતે પણ શીખતો રહુ છુ”.

તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માનિત અન્ય એક શિક્ષિકા લીલુબેન ગોઢાણીયા પોતાની શાળાના વિધાર્થીઓને માતૃભાષાનુ શિક્ષણ શીખવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. લીલુબહેને કહ્યુ કે, “મારો પ્રયત્ન હંમેશા એ જ રહે છે કે, મારા વર્ગખંડમાં બેઠેલુ બાળક ગુજરાતી ભાષા વ્યાકરણની ભુલો વગર લખે, બોલે અને સમજે તે માટે હું સતત પ્રયોગો કરતી રહું છું. રાજ્ય સરકાર દ્રારા શિક્ષકોને તાલીમ પણ અપાતી હોય છે. જેનો ઉદેશ્ય બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ અને તેનો સર્વાગી વિકાસ થાય તે હોય છે. જેના પરિણામે અમારી કુમાર પે. સેન્ટર રાણાવાવમાં ઘણાબધા વિધાર્થીઓએ ખાનગી શાળા છોડીને એડમીશન લીધા છે. કોરોના કાળ દરમિયાન વિધાર્થીઓનું વાચન, લેખન અને ગણન કઇ રીતે સુધારી શકાય તે મારા માટે એક પડકાર હતો. પણ પ્રયોગો કરીને વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપ્યુ અને તેમા સારી એવી સફળતા પણ મળી હતી. તેમ લીલુ બહેને જણાવ્યુ હતુ.

આમ પોરબંદરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકો પ્રયત્નશીલ રહે છે.