રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા એઇમ્સનું નિર્માણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કમર કસી છે. આ સંદર્ભે આગામી ગુરુવારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા એઇમ્સના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક આયોજીત કરી સમિક્ષા કરવામાં આવનાર છે. પીએમઓના દેખરેખ હેઠળ આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટને જોઇએ તેવી ગતિ હજુ સુધી મળી શકી નથી. એઇમ્સ ખાતે પાંચ બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એઇમ્સમાં હાલ ઓપીડી અને લેબ ટેસ્ટીંગની સુવિધા પણ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગત તા. 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17514 જેટલા દર્દીઓએ એઇમ્સની ઓપીડી સેવાનો લાભ લીધો છે. તેમજ 6105 જેટલાં દર્દીઓએ લેબ ટેસ્ટીંગનો લાભ લીધો છે.