વડોદરાઃ ડોક્ટર સાથે લગ્ન કરનાર વડોદરાની યુવતીનું દાંપત્યજીવન માત્ર ત્રણ મહિનામાં જ ભાંગી પડતાં તેણે પતિ તેમજ સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન અન્ય રાજ્યમાં તબીબી વ્યવસાય કરતા વીરજુ સાથે થયા હતા.મારા પિતાએ મારા લગ્નમાં કોઇ કસર બાકી રાખી નહતી.તેમણે રોકડા રૃ.બે લાખ,દાગીના અને ઇલેકટ્રોનિક સાધનો આપ્યા હતા.જે માટે તેમણે રૃ.૧૦ લાખની લોન પણ લીધી હતી.

લગ્ન બાદ હું બીજા રાજ્યમાં રહેવા ગઇહતી.જ્યાં પહેલી જ રાતે અમારી રૃમમાં નણંદના બાળકો સૂવા આવ્યા હતા.ત્યારબાદ ચાર-પાંચ દિવસ આમ ચાલતાં મેં મારી સાસુ અને નણંદને કહ્યું હતું.પતિને પણ આ બાબતે કહેતાં તેણે માતા અને બહેનનું ઉપરાણું લઇ કહ્યું હતું કે,તેમની મરજી મુજબ જ રહેવું પડશે.તારા પિતાએ દહેજ ઓછું આપ્યું છે.જો વધુ રકમ આપે તો હું તારી સાથે સબંધ રાખીશ.પરંતુ પરિણીતાએ ઇનકાર કર્યો હતો.

પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,સાસરીયાનો ત્રાસ વધી જતાં મારા પિતાએ મારા પતિના એકાઉન્ટમાં રૃ.૩૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ સાસરીયાઓને સંતોષ થયો નહતો.તેઓ પૂજા પાઠ પણ કરવા દેતા નહતા અને બહાનું કાઢી મારઝૂડ કરતા હતા.આખરે તેમનો ત્રાસ સહન નહિં થતાં પ પિતા લઇ ગયા હતા.મહિલા પોલીસે આ અંગે પતિ,સાસુ,સસરા અને નણંદ સામે ગુનો નોંધ્યો છે.