શિક્ષકદિન નિમિત્તે પોરબંદર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે પોરબંદર જિલ્લાના સાત શિક્ષકોને જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પારિતોષિક મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કક્ષાનું પુરસ્કાર મેળવનાર બી.આર.સી ભવન પોરબંદરના કો-ઓર્ડીનેટર પરેશભાઈ પુરુષનાણીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ પુરસ્કાર મેળવવો એ મારા માટે ગૌરવની વાત છે, પરિવારજનો તથા ગુરૂજનોએ જે શિક્ષણ આપ્યું હતું તે શિક્ષણ અત્યારે વિદ્યાર્થીઓને હું પૂરું પાડી રહ્યો છું. શિક્ષક આચાર્ય તથા બી.આર.સી તરીકે મેં ફરજ બજાવી તેમાં ઘણું બધું શીખવા પણ મળી રહ્યું છે. એક શિક્ષક તરીકે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું કે વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે માટે હું સતત પ્રયત્નશીલ હતો. આ તકે પરેશભાઈએ સરકારનો તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પુરસ્કાર વિજેતા શિક્ષિકા સામાણી દીપા બહેને કહ્યું કે, હું શારદા મંદિર પ્રાથમિક શાળા પોરબંદર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. સરકાર દ્વારા આ પુરસ્કાર મળ્યો એ મારા માટે હર્ષની લાગણી તો છે જ પણ સાથે સાથે એક જવાબદારી પણ છે કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં હું વધુ મહેનત કરું અને વિદ્યાર્થીઓના ઘડતરમાં સહભાગી બનું. વિદ્યાર્થીઓ શિક્ષણ ઉપરાંત ખેલકૂદમાં પણ આગળ વધે તથા ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં રસ લે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તથા વિદ્યાર્થીઓના શિક્ષણને લગતા પ્રશ્નોનું નિવારણ પણ લાવવામાં આવતું હતું.