ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇન ફ્લૂના એક દર્દીનું મોત થયું છે. શુક્રવારે રાતે નિધન થયાની પુષ્ટી કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના દર્દીને દાખલ કરતા સમયે જ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા.
નારણપુરા અને સરખેજના એક- એક વ્યકિતનો સ્વાઈનફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો સ્પેશિયલ વૉર્ડ ઉભો કરાયો છે. વૉર્ડ ઉભો કરી બંને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. સ્વાઈન ફ્લૂ વૉર્ડમાં 80 બેડ તૈયાર કરાયા છે. 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઈન ફ્લૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે.સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. જો ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ વગેરે જોવા મળે છે. વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ, વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા સહિતના જોવા મળે છે.