તાજેતરમાં ગુજરાતના બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ થયો છે જેથી કરીને તેમાં ૫૭ જેટલા લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે.જેને પગલે હવે રાજયભરની પોલીસ સફાળી જાગી હોય તેમ જુદીજુદી જગ્યાઓ ઉપર માત્ર દેશી દારૂની રેડ કરવામાં આવી રહી છે.(જોકે હાલ માત્ર દેશી દારૂના અડ્ડાઓ ઉપર જ ઘોંસ બોલી રહી હોય વિદેશી દારૂ વેચનારાઓ મનોમન મુસ્કાય રહ્યા હોય તેઓ પણ ઘાટ જોવા મળી રહ્યો છે.) તેમ છતાં પણ હાલમાં મોરબી જિલ્લામાં મોટાભાગના તાલુકાની જુદીજુદી જગ્યા ઉપરથી પાસેરમાં પૂણી સમાન અને "સેમ્પલ રૂપ કામગીરી" કહી શકાય તેવો દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે.દરમ્યાનમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગામના સરપંચ દ્વારા ઢોલ વગાડીને દારૂનું વેચાણ અને દારૂ પીવાનું બંધ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા..! તો હળવદ તાલુકાના ચૂંપણી ગામે સરપંચ દ્વારા સીમ વિસ્તારમાં જનતા રેડ કરીને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ઢોળી નાંખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને દારૂના ધંધા બંધ કરવા માટે ધંધાર્થીઓને સુચના આપવામાં આવી હતી..! ત્યારે પોલીસની કામગીરી સામે હજુ પણ મોરબી જિલ્લામાં સવાલો ઊભા થઈ રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જિલ્લાની આસપાસના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એરિયામાં આસરે ૧૦૦૦ થી વધુ મોટા કારખાનાઓ આવેલ છે જેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય તેમજ સ્થાનિક મજૂરો કામ કરે છે અને તે પૈકી મોટાભાગના મજૂરો "પીવાની ટેવ" વાળા હોય માટે આ કારખાનાઓની આસપાસના વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં છૂટથી દેશી દારૂનું વેચાણ મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. જો કે સદનસીબે ગુજરાતના બોટાદ અને બરવાળા જિલ્લામાં જે રીતે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેવો લઠ્ઠાકાંડ મોરબી જિલ્લામાં હજૂ સુધી નથી થયો એટલે ત્યાં સુધી પોલીસ નહીં જાગે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. કારણકે છેલ્લા ઘણા વર્ષોથી જો પોલીસની કામગીરી ઉપર નજર કરવામાં આવે તો પાસેરામાં પૂણી સમાન કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને દારૂના કેશ કરવામાં "માંગેલી રેડ" ની જેમ દારૂના સેમ્પલ લેતા હોય તેવા સરકારી ચોપડે આંકડા બતાવવાના કેશ કરવાની કામગીરી કરતા હોય તેમ બે-પાંચ કે દશ લિટર દારૂનો જથ્થો પકડીને દારૂના કેસ બતાવવામાં આવે છે..!

ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર બોટાદ અને બરવાળામાં જે રીતે લઠ્ઠાકાંડ થયો તેવો લઠ્ઠાકાંડ ન સર્જાય તે માટે હવે લોકો જાગૃત બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.બે દિવસ પહેલા મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ભાજપના જ પાલીકાના ચૂંટાયેલા સભ્ય દ્વારા ઢોલ વગાડીને વીસીપરા વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવા અને દારૂ પીવાનું બંધ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.તેવી જ રીતે ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ દ્વારા તેઓના ગામની અંદર ઢોલ વગાડીને ગામમાં દારૂનું વેચાણ તેમજ દારૂ પીવાનું બંધ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

તો બીજી બાજુ હળવદ તાલુકાના ચૂંપણી ગામ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સરપંચ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અંદાજે અઢીસો લીટર કરતાં વધુ આથો મળી આવ્યો હોય તેનો નાશ કરવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામમાં પણ જનતા રેડ થવાની છે તેવી જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ત્યાં પહોંચીને ગામના તળાવ તેમજ સીમ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વોચ કરવામાં આવી હતી અને સર્ચ દરમિયાન જો કે કંઈ વાંધાજનક જથ્થો હાલ ન મળી આવ્યો હોય તાલુકા પોલીસે આ અંગે સઘન ચેકીંગ ચાલુ કર્યુ છે.

આમ લોકો હવે દારૂની સામે સ્વયં જાગૃત થયા હોય તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા હજુ પણ અગાઉની જેમ માત્ર સેમ્પલ લેવાની જ કામગીરી કરવામાં આવશે કે પછી દારૂના દુષણને મૂળમાંથી ડામવા માટેની નકકર કામગીરી કરશે તે તો આગામી સમય જ બતાવશે.જોકે હાલ લઠ્ઠાકાંડ દેશી દારૂ ના લીધે થયો હોય વિદેશી દારૂના ધંધાર્થીઓ મનોમન મુસ્કાય રહ્યા હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે માટે પોલીસ દ્વારા વિદેશી દારૂનો ધંધો કરતા ધંધાર્થીઓ ઉપર પણ 'રોડી' બોલાવવામાં આવે તેવી અહિંના લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.