ગુજરાતમાં વાદળો વિખરાતા સખત ગરમી પડી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદ લેશે વિદાય
વરસાદના વિદાય બાદ મોસમનો થશે ટ્રીપલ ઍટેક
ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 ઈંચ જેટલો વરસાદ પડ્યો
ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઝાપટાબંધ વરસાદ પડ્યો છે તેમ છતાં અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રજા આ ગરમીના કારણે ત્રાહિમામ કરી રહી છે તથા ભાદરવા મહિનામાં એસી અને કૂલરનો સહારો લેવાનો વારો આવ્યો છે.
15 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ શકે છે ચોમાસું
હવામાન વિભાગે સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી મુજબ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જોકે ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી, અને આ સિઝનમાં કુલ 30 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
સક્રિય થઈ શકે છે ચક્રવાત
હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ પણ ઊભું થવાની શક્યતા છે જેના કારણે 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય 23 સપ્ટેમ્બરથી ઓકટોબર સુધી ભયંકર ગરમી લાગશે જેના કારણે લોકલ સિસ્ટમ પણ ઊભી થવાની શક્યતા છે, આમ બંગાળની ખાડીના દબાણના કારણે વાવાઝોડા અથવા ચક્રવાતની પણ શક્યતા છે જેના કારણે ગુજરાતમાં મોસમનો ટ્રીપલ ઍટેક જોવા મળી શકે છે.
એવામાં ગુજરાતનાં દરિયા કિનારામાં પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.