સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલની બાજુમાં જ છેલ્લા વીસેક મહિનાથી નિર્માણ પામી રહેલી ઝનાના હોસ્પિટલ તૈયાર થવામાં વધુ એક તારીખ પડી છે. આ હોસ્પિટલ તૈયાર થઈને સપ્ટેમ્બરમાં શરૂ કરી દેવાશે તેવી તંત્ર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી હતી પરંતુ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી હોવાથી હવે આ હોસ્પિટલ આવતાં વર્ષે જાન્યુઆરીથી શરૂ થાય તેવી શક્યતા હોસ્પિટલના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

શનિવારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા હોસ્પિટલના નિર્માણકાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન આજે કલેક્ટરે કામગીરીનું નિરીક્ષણ કરતાં કામગીરી અત્યંત ધીમી ચાલી રહ્યાનું ધ્યાન પર આવતાં પીઆઈયુની કોન્ટ્રાક્ટર એજન્સીને કામ ઝડપથી પૂર્ણ કરવા ટકોર કરી હતી સાથે સાથે જ્યાં જ્યાં ખામી જણાઈ ત્યાં ઠપકો પણ આપવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી નવી રસુલખાન ઝનાના ગાયનેક હોસ્પિટલનું કાર્ય છેલ્લા 20 મહિનાથી ચાલી રહ્યું છે.