વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુસર સમગ્ર દેશમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા રથના માધ્યમથી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવી રહી છે વધુમાં તેઓએ લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ લેવા આગળ આવવા માટે અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ અને હિરાપુર ગામમાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ દરમિયાન યાત્રાનું સ્વાગત,પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડિયો, મેરી કહાની મેરી ઝુબાની, ડ્રોન ડેમોસ્ટ્રેશન, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પનું 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન મકવાણા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.