ગુજરાતના રાજકારણમાં જે દીવસથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ત્યારથી દિલ્હી અને ગુજરાતના શિક્ષણ વચ્ચે કમ્પેર શરૂ થઈ અને અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આવો અને જુઓ ત્યાં અહીં ગુજરાતની ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલો છે અને જનતાને ઉંચી ફી માંથી રાહત અપાવી છે.
બસ આ બાદ હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ વધુ સક્રિય થયું છે. સ્કૂલોની સ્થિતિ સુધારવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુબજ ઝડપથી તાત્કાલીક ધોરણે 13 સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે અને અન્ય 28 સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ ચાલુ છે.
દિલ્હી મોડલ સ્કૂલોના પ્રચારને લઈ ગુજરાત રાજ્યમાં પણ આવી સ્કૂલોની ડિમાન્ડ શરૂ થતાં
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સ્માર્ટ સ્કૂલ બનાવવા 70 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 13 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરી ચાલુ પણ કરી દેવાઈ છે ઉપરાંત હજુ 7 સ્કૂલ બની રહી છે. એક સ્કૂલ બનાવવા પાછળ હાલ 1.50 કરોડથી વધુ રકમનો ખર્ચ થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ છે જેમાંથી 20 વોર્ડમાં સ્કૂલ તૈયાર થઈ છે જ્યારે હજુ 28 વોર્ડ બાકી છે જેમાં સ્કૂલો ચાલુ થશે.
આ નવી સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે તેવી છે. આ સ્કૂલમાં આવતા જ સ્કૂલની દીવાલો પર વિવિધ જ્ઞાન વર્ધક ચિત્રો, પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 5 થી 8 ધોરણના બાળકો માટે લેપટોપની સુવિધાઓ કે જેમાં બાળકો પોતાના લોગઇન આઈડી અને પાસવર્ડ દ્વારા લેપટોપ ચાલુ કરીને ભણી શકે. બાળકો માટે ગણિત અને વિજ્ઞાનની લેબ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને પુસ્તક અને મધ્યાહન ભોજનની સુવિધાઓ સાથે
નાના બાળકો માટે 3D વર્ગ, બાળકો માટે ગેમ અને કાર્ટૂન આધારિત ફ્રેન્સી બેંચો, ફ્યૂચર ક્લાસરૂમ, ગણિત અને વિજ્ઞાનની લેબ, મલ્ટી પ્લે-સ્ટેશન, ટેલિસ્કોપ, સાયન્સ લેબ,પ્લાનેટેરિયમ સહિતની સ્માર્ટ સ્કૂલની સુવિધા ઊભી કરવામાં આવી છે.
અત્યારે જે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે તેમ દરેક સ્માર્ટ સ્કૂલમાં 300-400 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે નવી 28 સ્માર્ટ સ્કૂલ બનશે ત્યારે સમગ્ર અમદાવાદના તમામ વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ હશે. 28 સ્કૂલ બનતા નવા 10,000 જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ થશે. અત્યારે નવી સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે તે પુરી થતા જ સ્કૂલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને ખૂબ ઝડપથી સ્માર્ટ સ્કૂલ ઉભી કરવામાં આવશે.
આમ,આમ આદમી પાર્ટીના આગમન સાથેજ ભાજપ સરકારે પણ અહીં ગુજરાતમાં સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવાનું શરૂ કર્યું છે જે અમદાવાદ મનપાએ વાસ્તવિક બનાવ્યું છે જેનો ભવિષ્યમાં વ્યાપ વધશે તેમ જાણકારોનું કહેવું છે આ શાળાઓનો વ્યાપ વધતા ખાનગી શાળાઓમાં ઉંચી ફી ભરી બાળકોને ભણાવવા મજબૂર મધ્યમ અને ગરીબ પરિવારના વાલીઓ ને રાહત થશે.