ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકારના યુવક અને સાંસ્કૃતિક, રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા અને સરકારી પુસ્તકાલય હિંમતનગર અને હિંમત હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણનો સંદેશ પ્રસરતી જાગૃતિ રેલી રાજારામ મોહન રાયની ૨૫0મી જન્મ જયંતી નિમિત્તે ૨૫0 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા પ્લે કાર્ડ, બેનર્સ, બેન્ડ બગી દ્વારા હિંમત હાઇસ્કુલથી જૂની સિવિલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન થઈ એક કિ.મી નું અંતર કાપીને જાગૃતિ સંદેશો પ્રસરાવતી વિશાળ રેલીએ ભ્રમણ કર્યું હતું અને પરત ફરી હતી આ રેલીને નિયામક શ્રી ગ્રંથાલયની કચેરી ગાંધીનગર ના ડો. પંકજ કે. ગોસ્વામીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખશ્રી, મદદનીશ ગ્રંથાલય નિયામક અમદાવાદ, સરકારી પુસ્તકાલયના કર્મચારીઓ, અધિકારીઓ, શાળા આચાર્ય, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામક શ્રી ડો. પંકજભાઈ ગોસ્વામીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૧૯મી સદીના પ્રભાવિ સમાજ સુધારક શ્રી રાજારામ મોહન રાયનું સ્ત્રી સશક્તિકરણ માટે તે જમાનામાં મોટું યોગદાન રહ્યું હતું અને મહિલાઓના હક અધિકારો માટે તેમને સમાજને જાગૃત કરીને ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. તેમની ૨૫0 મી જન્મ જયંતી એ તેમના જીવન કવન અને કાર્યોને ભાવિ પેઢી ભણે સમજે તે જરૂરી અને આવશ્યક છે તે માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમતગમત ગ્રંથાલય વિભાગ દ્વારા રાજ્યના ૧૧ જિલ્લાઓમાં આ અંગે જાગૃતિ અભિયાન આરંભ્યું છે. તેમાં સાબરકાંઠા જિલ્લા પુસ્તકાલયની પસંદગી થઈ છે. તે આપણા માટે ગૌરવની વાત છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સશક્તિકરણ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં આપણે સહયોગ આપી મહિલાઓના કલ્યાણ અર્થે કામ કરીએ.
રાજા રામમોહનરાય દ્વારા સતી પ્રથાનો વિરોધ, બહુ પત્નીત્વનો વિરોધ, મહિલાઓના હક અધિકારની હિમાયત કરવામાં આવી હતી. તેઓ ૧૧ વિવિધ ભાષાઓના જાણકાર હતા તેમનું સમાજ સુધારણામાં બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. આજે અહીં વિવિધ શાળાઓની બહેનો દ્વારા પ્રાર્થના, કાઠીયાવાડી ગરબો, રાજસ્થાની ઘુમર નૃત્ય, એકપાત્રીય અભિનય વેશભૂષા જેવા સુંદર કાર્યક્રમ રજૂ કર્યા છે. તેમને રાજ્યો અને જિલ્લા કક્ષાએ સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. સમાજમાં ક્યાંય કોઈ ઘટના બને તો આપણું માથું શરમથી ઝૂકી જાય છે. સમાજ વાલીઓ અને દીકરીઓ જાગૃત થાય એ પણ આજની તાતી જરૂર છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે સ્ત્રીને સન્માન આદર ભાવ સાથે આગળ વધવામાં અવસર, સન્માન આપણે સૌએ પૂરા પાડવા જોઈએ. તેમણે દીકરીઓને અભ્યાસની સાથે દરરોજ બે પાનાં મનગમતું પુસ્તકનું વાંચન કરવા સંકલ્પ લેવા અપીલ કરી હતી અને લાઇબ્રેરી નો ઉપયોગ અને વાંચનની ટેવ કેળવવા ઉપર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે બહેનો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને રાજા રામમોહનરાય, ડોક્ટર, રાણી લક્ષ્મીબાઈ, સૈનિકની વેશભૂષા દ્વારા પ્રતિ કૃતિ રજૂ કરાઈ હતી.
આ પ્રસંગે અમદાવાદ ગ્રંથાલય મદદનીશ શ્રી આર.ડી પરમાર, હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાથાભાઈ પટેલ, ગ્રંથપાલ શ્રી એસ.કે. ગામેતી, કેળવણી મંડળના શ્રી પ્રહલાદભાઈ સોમાની, આચાર્ય શ્રી એસ. એસ. પટેલ, શ્રીમતી અમિતાબેન દવે, શ્રીમતી બિંદિયાબેન સાગર, રાજારામ મોહન રાય ફાઉન્ડેશન તથા સરકારી પુસ્તકાલયનું સ્ટાફ અને અધિકારીઓ કર્મચારી સહિત હિંમત હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.