ઈન્દીરા સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં કામ કરતી નર્સે આરોપી યુવરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા (રહે. રેલનગર, પોપટપરા પાસે, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી કે, કોરોનાની સારવારમાં દાખલ થયેલા દર્દીના ભાઈ યુવરાજસિંહ સાથે પરિચયમાં આવ્યા પછી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરવા ફરવા જતા ભાગીદારીમાં ગાડી લેવા આરોપીને રૂ. 1.30 લાખ આપ્યા હતા. એ રૂપિયા પરત માંગતા યુવરાજસિંહે નર્સને ઢીકા પાટુનો મુંઢ માર મારી ડાબા કાંડાના ભાગે છરીથી છરકો કરેલ, અને બન્નેના ફોટા પાડી લીધા હોય તે બતાવી બળજબરી પૂર્વક ચારથી પાંચ વખત બદકામ કરેલ અને ધમકીઓ આપેલ. આરોપીને જેલ હવાલે કરાયા બાદ આરોપીએ તેના વકીલ ગૌરાંગ પી. ગોકાણી મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અંગે ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે અરજીમાં આરોપીના વકીલની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુન્હો ખોટી રીતે નોંધવામાં આવેલ છે તેવા નિર્ણય ઉપર આવી એફ.આઈ.આર. રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલિયા તથા હિરેન નિયાલચંદાણી રોકાયા હતા.