કુમારિકાઓ સારા કુળવાન, સંસ્કારી પતિ મળે તે માટે શ્રાવણના સોમવારનું વ્રત કરે છે. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિ તથા પુત્રના રક્ષણ કાજે અને ઉન્નતિ માટે વ્રત કરે છે. કુમારિકાઓ મનગમતા ભરથાર મળે તે માટે પુર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી વ્રત કરે છે. શ્રાવણ વ્રત કરવાથી કુળની વૃદ્ધિ થાય છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સન્માન મળે છે. આ વ્રતમાં મા પાર્વતીજી અને શિવજીનું પૂજન કરવામાં આવે છે. શિવ પૂજા-આરાધના માટે ગંગાજળથી સ્નાન કરી અને ભસ્મ અર્પણ કરવાનું ખાસ મહત્વ રહ્યું છે. પુજામાં ધતૂરાનું ફૂલ, બીલીપત્ર, ધતૂરાનું ફળ, સફેદ ચંદન, ભસ્મ વગેરેનો ઉપયોગ અનિવાર્ય છે. પ્રભાતે સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને કામ-ક્રોધ જેવા દુષણો તજીને સુગંધિત શ્વેત ફૂલો લઈ ભગવાનનું પૂજન કરવું. નૈવેધમાં અભિષ્ટ અન્નના બનેલા પદાર્થને અર્પણ કરવા.

ઓમ નમો દશભૂજાય,

ત્રિનેત્રાય પન્ચવશ્ચયશૂલિને!

શ્વેત વૃષભારુઢાય સર્વાભરણભૂષિતાય ।

ઉમાદેહાર્થસ્થાય નમસ્તે સર્વ ભૂર્તયેનમ્ ।।

ઓમ નમઃ શિવાય... મંત્રોચ્ચાર કરી હવન કરવું.

 શ્રાવણ માસ ભગવાન શિવ, ત્રિલોકનાથ, ડમરુંધારી શિવ-શંકરની પુજા-અર્ચનાનો અધિક મહાત્મ્ય ધરાવે છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાને માટે શ્રાવણ માસમાં ભક્તજનો તેમનું અનેક પ્રકારે પુજન-અભિષેક કરે છે. ભગવાન શંકર તુરંત જ પ્રસન્ન થતા દેવ હોવાથી તેઓની પુજા-અર્ચના, અભિષેક કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ધન્યતા અનુભવીએ છીએ. ભક્તો તેમની મનોકામના પુર્ણ કરે છે. બધા જ સોમવારના દિવસોએ વ્રત કરવાથી વર્ષ આખાનું પુણ્ય મળે છે. સોમવાર વ્રતના દિવસે પ્રાતઃકાળમાં સ્નાનાદિક ધ્યાન ઉપરાંત શિવ મંદિર અથવા ઘર પર જ શ્રી ગણેશજીની પુજા સાથે શિવ પાર્વતી અને નંદી, બીલીની પુજા કરવામાં આવે છે. આ દિવસે પ્રસાદના માટે પાણી, દૂધ, દહીં, મધ, ઘી, ધૂપ-દીપ અને દક્ષિણા, સાકર, જનોઈ, ચંદન, બિલ્વપત્ર, ભાંગ, ધતૂરો સાથે જ નંદી વૃષભને માટે ઘાસચારો અથવા તો લોટના પીંડ બનાવી ભગવાન પશુપતિનાથની પુજા કરવામાં આવે છે. રાત્રી સમયે ઘી અને કપૂર સહિત ધુપ કરી આરતી કરતાં શિવ મહિમા કરવામાં આવે છે. શ્રાવણ માસના લગભગ બધા જ સોમવારમાં આવી જ પ્રક્રિયા કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વ્રત કરીને અખંડ સૌભાગ્ય મેળવે છે. શિવમંદિરોમાં જલાભિષેક કરતા વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અકર્મણ્ય વ્યક્તિઓને રોજીરોટી અને કાર્યો મળતા તેમના માન સન્માનમાં ઉમેરો થાય છે.

સદ્ગૃહસ્થો, નોકરિયાતો અથવા તો વ્યાપારીઓ શ્રાવણનાં સોમવારનું વ્રત કરવાથી ધન, ધાન્ય અને લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે. પ્રૌઢો તથા વૃદ્ધ વ્યક્તિઓ જો સોમવારનું વ્રત રાખે તો તેઓને આ લોક અને પરલોકમાં સુખ-સુવિધા અને આરામ મળે છે. સોમવારના વ્રતના દિવસે ગંગાજળથી સ્નાન કરવું અને મંદિર તથા શિવ મંદિરમાં જળ ચઢાવવું.

વિપુલ મકવાણા અમરેલી