મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.૨૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ.૭૦.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના ૬૮ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ મુખ્યમંત્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ રૂ.૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા પટેલે જણાવ્યું કે, ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ગામડાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. નરેન્દ્રભાઇએ ગુજરાતની ધૂંરા સંભાળી ત્યારે શું સ્થિતિ હતી અને અત્યારે તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વિકાસની શું સ્થિતિ છે, તેની તુલના કરતા તે બાબત સમજી શકાય છે. 

હવે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું ગૌરવ વધી રહ્યું છે. આર્થિક રીતે પણ આપણો દેશ સક્ષમ બની રહ્યો છે. આર્થિક મહાસત્તાના આંકમાં દેશનું અર્થતંત્ર પાંચમાં સ્થાને પહોંચ્યું છે.

નાગરિકો, ખેડૂતો સહિત ગામડાઓની તમામ પ્રકારની સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, હજું પણ કોઇ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમે તેનો નિકાલ લાવીશું. ગામડાઓમાં રસ્તા, વીજળી, સિંચાઇ, પીવાનું પાણી, આરોગ્ય જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પહોંચાડી છે. જેના કારણે નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.

આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સૌના સાથ અને સૌના સહકારથી આગળ વધી રહ્યું છે., આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

 ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે, અમે જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીએ છીએ, એ વિકાસ કામોનું અમે જ લોકાર્પણ કરીએ છીએ, એવી કાર્યસંસ્કૃતિ અમે વિકાસાવી છે.

કોરોના મહામારી દરમિયાન વિશ્વની મહાસત્તાઓએ પણ પોતાના નાગરિકોની દરકાર લીધી નહોતી, આવા કપરા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતના તમામ નાગરિકોને વિનામૂલ્યે કોવીડની રસી આપી દેશને આ વિભિષિકામાંથી ઉગાર્યો છે. ગરીબો ભૂખ્યા ના સૂવે તે માટે મફતમાં અનાજ આપવાની યોજના પણ હજુ ચાલું રાખી છે. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.  

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે , કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્ય મંત્રીએ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા માત્ર રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરી છે.જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુચારુ નેતૃત્વમાં દેશ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહ્યો છે.

ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સતત ચિંતા કરવામાં આવે છે. આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. માર્ગોના નવીનીકરણ થતાં નાગરિકોને સરળતા ઊભી થશે.

મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેવાડાના માનવીની સતત ચિંતા કરી જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી લોકોના જીવન ધોરણ ઊંચું લાવી સમતોલ અને સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે. તેમને લોકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે મક્કમ અને ત્વરિત નિર્ણય લીધા છે.

     જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે જણાવ્યું કે ખેડા જિલ્લામાં વિકાસના અનેકવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેને પરિણામે ખેડા જિલ્લો વિકાસની તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખેડા જિલ્લાની તમામ ૫૨૦ ગ્રામ પંચાયતોના પરાઓને મુખ્ય રસ્તાઓથી જોડ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ રતનસિંહ રાઠોડે કપડવંજ અને કઠલાલ તાલુકાના પ્રજાજનો માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે મુખ્ય મંત્રીના સક્ષમ નેતૃત્વમાં કપડવંજ અને કઠલાલ તાલુકાના પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્ય મંત્રીએ આ વિસ્તારોમાં તળાવો ભરવા માટે રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરી છે.

પ્રારંભમાં પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણાએ સૌનો આવકાર કર્યો હતો.

કપડવંજ અને કઠલાલ તાલુકાના વિવિધ સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ,પદાધિકારીઓએ મુખ્ય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.

     આ પ્રસંગે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પૂર્વ મંત્રી મણીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ અને રમીલાબેન,કલેકટર કે. એલ. બચાણી, અગ્રણીઓ, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.