વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજયમાં કર્મચારી આંદોલનની મોસમ ખીલી હોય તેમ જુદા-જુદા વિભાગોના કર્મચારીઓ આંદોલનો ચલાવી રહયા છે. ગુજરાત રાજયકર્મચારી મંડળ દ્વારા આવતીકાલે રાજયભરના જિલ્લા કક્ષાએ રેલી યોજનાર છે. રાજકોટમાં કાલે બપોરે રાજયના કર્મચારીઓ રેલી યોજીને ઘરણા-સૂત્રોચચારો કરશે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

ગુજરાત કર્મચારી મહામંડળના રાજકોટના પ્રમુખ કૃપાલસિંહ જાડેજાએ કહયું હતું કે અનેકવિધ પડતર માંગણીઓના ટેકામાં આંદોલન ચલાવવામાં આવી રહયુ છે. તેના ભાગરૂપે કાલે જીલ્લાસ્તરે રેલી યોજવાની છે. રાજકોટમાં બપો2ે ત્રણ વાગ્યે બહુમાળી ભવન-સરદાર પટેલની પ્રતિમા નજીક એકત્રિત થશે. સૂત્રોચ્ચાર - રામધૂન કરશે અને ત્યાંથી પગપાળા કલેકટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. સિંચાઈ, વેટ, પંચાયત, તલાટી વન વિભાગ- ટ્રેઝરી સહિત રાજયના તમામ વિભાગોના 1000 થી વધુ કર્મચારીઓ રેલીમાં સામેલ થશે.