છોટાઉદેપુરના પીઢ, અનુભવી, તેમજ સૌથી વરિષ્ઠ એવા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના બીજા નંબરના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ધારાસભ્યની ટિકિટ મળે તેવી પોતાની લાગણી દર્શાવી છે.
પાવીજેતપુર તાલુકાના બાર ગામના રહીશ તેમજ વિધાનસભામાં સતત ૧૧ વખત ચૂંટણી જીતનાર અને સૌથી વરિષ્ઠ એવા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી લડવાની અન ઇચ્છા દર્શાવી હોય, ત્યારે હાલ ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે ધારાસભ્યની બેઠક માટે પોતાના બીજા નંબરના પુત્ર રાજેન્દ્રસિંહ ( રાજુભાઈ ) મોહનસિંહ રાઠવાની ટિકિટ મળે તેવી લાગણી અને ઇચ્છા દર્શાવી છે. અને જો ટિકિટ મળશે તો રાજુભાઈ રાઠવા તેઓની કામગીરી નો વારસો જાળવી રાખશે તેમજ સતત સક્રિય રહી જનતાના કાર્યો કરશે તેવી બાહેધરી પણ વ્યક્ત કરી હતી. રાજુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ હોય તેમજ સક્રિય કાર્યકર હોય ત્યારે તેઓને ટિકિટ મળે તેમ જનતાની પણ લાગણી જણાઈ રહી છે.
વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે તેઓને બીજેપી દ્વારા પચાસ કરોડની ઓફર કરવામાં આવી હતી, તેમજ તેઓના જમાઈ રાજુભાઈ રાઠવા ને પણ સાથે લઈ આવવાની ઓફર કરવામાં આવી હતી ત્યારે આ સમયે મોહનસિંહ રાઠવા દ્વારા પોતાના પુત્રને ટિકિટ ફાળવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
આમ, વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છોટાઉદેપુરના વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી લડવાની અન ઇચ્છા દર્શાવી સાથે સાથે પોતાના પુત્ર રાજુભાઈ ને ટિકિટ મળે તેવી લાગણી અને ભાવના વ્યક્ત કરી છે.