અમદાવાદ,તા.01
અમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ. એચ.એલ.ત્રિવેદીની ૯૦ મી જન્મતિથિના પવિત્ર અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૨ અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરવા બહુમાન કરવામાં આવ્યું હતું
સ્ટેટ ઓર્ગન ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન(SOTTO) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોએથી આવેલા અંગદાતા પરિવારજનોની સમાજ પ્રત્યેની સેવા ભાવનાઓને બિરદાવવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અંગદાનથી નવજીવન આપનારા તમામ અંગદાતા પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરીને તમામની સેવાભાવનાને બિરદાવી હતી.
તેમણે આ પ્રસંગે રાજ્ય સરકાર ઝોન પ્રમાણે રાજ્યમાં પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત કરવાની દિશામાં પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતને આ વર્ષે ૫ નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી હોવાનું જણાવી ગુજરાતમાં ડૉક્ટરર્સની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી રાહત નિધિ ,પ્રધાનમંત્રી રાહત નિધિ, સ્કુલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ યોજનાકીય સહાય અંતર્ગત વિના મૂલ્ય પ્રત્યારોપણ ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું કહ્યું હતું.
મંત્રી શ્રીએ સમર્પણ ભાવથી અંગદાન ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સહિતના પેરા મેડિકલ કર્મીઓની નિષ્ઠાને બિરદાવી હતી...
સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવીને SOTTO ની ટીમ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણની કરવામા આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી....
આ પ્રસંગે તેમણે અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા દિલીપદેશમુખની સંધર્ષગાથા લોકો સમક્ષ રજુ કરી હતી.
ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક સ્વ શ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીના ધર્મ પત્ની દ્વારા ૯૦ હજાર રૂપિયાનુ દાન આપવામાં આવ્યું હતું...
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ,કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ વિનીત મિશ્રા, SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી, જી.સી.આર.આઈના ડાયરેક્ટર ડૉ શશાંક પંડ્યા, અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી શ્રી દિલીપભાઈ દેશમુખ તેમજ મોટી સંખ્યામાં તબીબી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
...............