અમદાવાદઃ ઈસનપુરમાં 50 રૂપિયા માટે યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા રૂા.ની લેવડદેવડની અદાવતમાં થઈ હોવાનું જાણવા મળે છે. ત્યારે મનમાં સવાલ ઉઠે છે કે માત્ર 50 રૂપિયામાં હત્યા જેવો ગુનો આચરનાર આ આરોપીઓ કોણ છે.

ઘટનાની માહિતી અનુસાર, પોલીસે ધરપકડ કરેલા આરોપીઓનું નામ શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. જેણે 50 રૂપિયા માટે યુવકની હત્યા કરી છે. 30 વર્ષીય નિલેશ બાથમ તેના પરિવાર સાથે ઈસનપુર વિસ્તારમાં રહેતો હતો અને પરિવારનું ભરણપોષણ કરવા માટે ઓટો રિક્ષા ચલાવતો હતો. નિલેશને અજાણ્યા લોકોએ માર માર્યો હતો અને છરીના ઘા મારીને નાસી છૂટ્યો હતો. આ પછી ઈજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નિલેશભાઈનું મોત નીપજ્યું હતું. હત્યાનો ગુનો નોંધી સીસીટીવી તપાસ્યા બાદ બાઇક પર આવેલા આરોપીની ઓળખ મૃતકની બહેને કરી હતી, હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીનો ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસેથી 50 રૂપિયા લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો ન હતો. આથી નિલેશ રોજ ઉધાર માંગવા જતો હતો. અદાવતના કારણે આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેના ભાઈ સાથે મળીને નિલેશને છરીના ઘા માર્યા હતા. આરોપી અને મૃતક પરિવારમાં સગા-સંબંધી હોવાથી મૃતકની બહેને તેઓને ઓળખી કાઢ્યા હતા. આરોપીઓ માલસામાન લઈને ઉત્તર પ્રદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પચાસ રૂપિયા માટે યુવકની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કર્યું છે. આ હત્યા માત્ર 50 રૂપિયા માટે કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.