રાજકોટ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શો રૂમની ચાર લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે શકમંદ આરોપીના સીસીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. અને આ શખ્સ ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. આ ચોરીના બનાવની વિગત મુજબ, એસ્ટ્રોન સિનેમા પાસે, સરદારનગર - 18માં રહેતા લોહાણા વેપારી જીતેશભાઈ લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.55)એ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન - 2 ખાતે નોવેલ્ટી ફેબ્રિકેસ નામે બાળકો માટેની આઈટમનો શો રૂમ છે, હોલ સેલ વેપાર કરે છે. બીજી દુકાન ટીનીમીની બેબી મોલ 2-કડીયા નવ લાઈન ખાતે છે. જ્યારે રઘુવીરપરા - 4 માં ત્રીજી દુકાન સિયારામ ટ્રેડ લિંક આવેલી છે. આ બન્ને દુકાનોનો જે કંઈ વકરો થાય તે દરરોજ નોવેલ્ટી ફેબ્રિકેસ શો રૂમ ખાતે રાખવામાં આવતો. અને બાદમાં બેંકમાં જમા કરાવતા. તા.14 ઓગષ્ટએ ત્રણેય દુકાનનો વકરો આશરે રૂ.4 લાખ થયો હતો. તે શો રૂમના ટેબલના ડ્રોઅરમાં રાખ્યો હતો. પરંતુ બીજે દિવસે તા.15 ઓગષ્ટના રોજ દુકાન ખોલતા ડ્રોઅરનો સામાન વેર વિખેર હતો અને રૂ.4 લાખની રોકડ ગાયબ હતી. તપાસ કરતા શો રૂમના ચોથા માળે અગાશી પરનો દરવાજો તૂટેલો હતો અહીંથી કોઈ શખ્સે શો રૂમમાં ઘુસી રોકડની ચોરી કરી હતી. 19 ઓગષ્ટએ ફરિયાદ નોંધાયા પછી ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ પર લેતા એક શકમંદ સીસીટીવીમાં નજરે પડ્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.