કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.