તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના કાર્યકારી પ્રમુખ અને રાજ્ય મંત્રી કેટી રામારાવના જન્મદિવસ પર આયોજિત પાર્ટીમાં હાજરી ન આપવા બદલ બેલમપલ્લીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી છે. આ સાથે જ તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે 24 જુલાઈએ શહેરની સરકારી હોસ્પિટલમાં આયોજિત મંત્રીના જન્મદિવસની પાર્ટીમાં આ કર્મચારીઓ શા માટે હાજર ન રહ્યા. આ સાથે ત્રણેય કર્મચારીઓને ચેતવણી આપતો મેમો મોકલવામાં આવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે 24મી જુલાઈએ મંત્રીના જન્મદિવસ નિમિત્તે બેલમપલ્લીની સરકારી હોસ્પિટલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓ ફરજીયાતપણે સામેલ થવાના હતા. આ અંગેની માહિતી પણ વોટ્સએપ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ ટી રાજેશ્વરી, પૂનમ ચંદર અને એ મોહન નામના ત્રણ કર્મચારીઓએ સંદેશ જોયો ન હતો અને કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.

હવે આ પત્ર દ્વારા ત્રણેય કર્મચારીઓને પૂછવામાં આવ્યું છે કે કાર્યક્રમમાં હાજર ન રહેવા બદલ તમારી સામે કાર્યવાહી શા માટે ન કરવામાં આવે. આ સાથે આ નોટિસનો જવાબ આપવા માટે 24 કલાકનો સમય પણ આપવામાં આવ્યો હતો. આ નોટિસ બેલમપલ્લીના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે, જે 25 જુલાઈ સુધી જણાવવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાનના પુત્ર અને તેલંગણા સરકારમાં પ્રધાન કેટી રામારાવનો જન્મદિવસ 24 જુલાઈએ ઉજવવામાં આવ્યો હતો અને રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કોર્પોરેશનના કર્મચારીઓની હાજરી ફરજિયાત બનાવવામાં આવી હતી.