સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ.ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકના માત્ર 3 મહિનામાંજ વિવિધ વિસ્તારોમાં કલર ઉખડવાનો શરૂ થતા ભ્રષ્ટ્રાચારની બૂ ઉઠવા પામી છે.
ટ્રેકની લાયાબિલીટી પિરિયડ 1 વર્ષની છે પણ 3 મહિનામાં જ સાઇકલ ટ્રેકના તકલાદી કામની પોલ ખુલી છે. સાઇકલ ટ્રેકનો રંગ ઉડવા મુદ્દે કડક કાર્યવાહી કરવાના બદલે શાસકો વધુને વધુ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકને મંજૂરી આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કારણકે ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઉધના ઝોન-બી કનકપુરના વિવિધ વિસ્તારમાં ડામર તથા સીસી રોડ પર સાઇકલ ટ્રેક બનાવવાના રૂા.42.85 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે.
જે બન્યા છે તે માત્ર ત્રણ મહિનામાં જ સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થઇ ગયો છે અને થોડા સમયમાં શહેરના રસ્તા ઉપરથી સાઇકલ ટ્રેક જ અદ્રશ્ય થઇ જશે તેવું લાગી રહ્યું છે પરિણામે લાખ્ખોનો ખર્ચ માથે પડશે.
આ અંગે તંત્રની ધ્યાન જતા કોન્ટ્રાક્ટરને રિપેરીંગ માટે નોટીસ ફટકારવામાં આવી છે, પેમેન્ટ હાલ અટકાવ્યું છે.
સુરત મહાનગર પાલિકાએ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 75 કિલોમીટરથી વધુનો સાઇકલ ટ્રેક તૈયાર કર્યો છે પણ યોગ્ય કામગીરી નહિ થતા અને વેઠ ઉતારવામાં આવતા ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યાનું જનતામાં ચર્ચાઈ રહ્યું છે.