રાજકોટ રેલવે ડિવિઝનની આરપીએફની ટીમને મોટી સફળતા મળી છે. આ ટીમે જુદા - જુદા રાજ્યોમાં દરોડા પાડી ટીકીટ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. રેલવેની ટીકીટ બુકીંગ આ મહાકૌભાંડમાં એજન્ટ ટોળકીના 6 આરોપી ઝડપાયા છે. રૂ.43 લાખની ટીકીટો જપ્ત કરાઈ છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ખાસ પ્રકારના સોફ્ટવેરથી બુકીંગ સાઈટને પ્રભાવિત કરતા હતા અને પેસેન્જરની બદલે પોતે નોંધેલી ટીકીટ જ બુક થાય તેવું ષડયંત્ર ઉભું કર્યું હતું.
વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે, રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા "ઓપરેશન અવેલેબલ" કોડનેમ હેઠળ મિશન મોડમાં અનધિકૃત રીતે રેલવે ટીકીટની ચોરીમાં સામેલ વ્યક્તિઓને પકડવા માટે સઘન અને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિજિટલ ઈનપુટના આધારે હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, રાજકોટ ડિવિઝનની આરપીએફ ટીમે ટ્રાવેલ એજન્ટ મન્નાન વાઘેલાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.